ફુટબોલ જગતના બેતાજન બાદશાહ ગણાતા ખેલાડી પેલેએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોતાની અંગત જીંદગીને લઈને કરેલા ખુલાસામાં તેમણે જણાવ્યું હતુ કે, તેઓ એક સમયના મહાન ફુટબોલર રહ્યા છે. આથી દેશ અને દુનિયામાં તેમના લાખો ચાહકો છે. 80 વર્ષના પેલેએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમના 7 બાળકો થયા હતા. આ સાત બાળકોમાં સાંદ્રા મેકાડે પણ સામેલ છે. પરંતુ પેલે હંમેશા તેમની દીકરી માની નથી. મળતી માહિતી મુજબ સાંદ્રા મેકાડે પેલે અને તેમની હાઉસ મેડની દીકરી છે. જીવનમાં તેમને અનેક મહિલાઓ સાથે અફેર હતા. જો કે, તેની સંખ્યા હવે તેમને યાદ નથી રહી. આટલું તો ઠીંક પણ તેઓ કેટલા બાળકોના પિતા છે તે પણ તેઓ જાણતા નથી. નેટફ્લિક્સની એક ડોક્યુમેન્ટ્રીમાં પોતાની પર્સનલ લાઈફ વિશે મહાન ફુટબોલર પેલેએ આ પ્રકારની વાતો કહી છે. ડોક્યુમેન્ટ્રીમાં પેલેએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે કાયદેસર રીતે ત્રણ વખત લગ્ન કર્યા હતા. જો કે, લગ્ન પછી તેમના ઘણી મહિલાઓ સાથે અફેર રહ્યા હતા. આથી તે મહિલાઓ સાથેના સંબંધો થકી તેમને કેટલા બાળકો છે તેનો પણ ખ્યાલ નથી. પેલે કહ્યું હતુ કે, મારા ઘણા અફેર હતા જેમાં કેટલીક મહિલાઓને મારી સાથેના સબંધો થકી બાળકો થયા હતા. મને તેના વિશે પછી જાણકારી મળી હતી. પેલેએ કહ્યું કે તેમણે પત્ની અને ગર્લફ્રેન્ડ્સને આ વિશે ખુલ્લા દીલે વાત કરી હતી કે તે પોતાના સંબંધમાં વફાદાર રહ્યા નથી. મારી પહેલી પત્ની, મારી પહેલી ગર્લફ્રેન્ડ તેમને મારી દરેક વાતનો ખ્યાલ હતો. હું ક્યારેય જુઠું નથી બોલતો.