ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અમદાવાદની નવી ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. અમદાવાદે હાર્દિક પંડ્યા ઉપરાંત રાશિદ ખાન અને શુભમન ગિલને પણ ડ્રાફ્ટ દ્વારા પસંદ કર્યા છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં, લેગ-સ્પિનર રાશિદ ખાનને 15 કરોડ રૂપિયામાં અને શુભમન ગિલને 8 કરોડ રૂપિયામાં સામેલ કર્યા છે.
હાર્દિક પંડ્યા અગાઉ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો જ્યારે રાશિદ ખાન સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતો. શુભમન ગિલ આઈપીએલની છેલ્લી ઘણી સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા જોવા મળ્યા હતા. IPLની બે નવી ટીમો લખનૌ અને અમદાવાદે સત્તાવાર રીતે ડ્રાફ્ટ દ્વારા પસંદ કરાયેલા પોતાના ત્રણ ખેલાડીઓની યાદી BCCIને સુપરત કરવાની છે.
નોંધનીય છે કે ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકી અમદાવાદની ટીમના ક્રિકેટ ડિરેક્ટર બની શકે છે. વિક્રમ સોલંકીએ સરે ક્રિકેટ કાઉન્ટી ક્લબના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. આશિષ નેહરા અને ગેરી કર્સ્ટન પહેલાથી જ અમદાવાદની ટીમ સાથે જોડાયેલા છે.