ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુકલા ફરી એકવખત વિવાદમાં સપડાયા છે. ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં પસંદગીના જાહેર ધારાધોરણમાં ધર્મનો ઉલ્લેખ કરતા સરકારી તંત્ર ખટકાટ અનુભવતુ રહે છે. કેટલીક વાર ધર્મ મુદ્દે જ દેશમાં વાકયુદ્ધ છેડાવાના કિસ્સા જગજાહેર છે. દરમિયાન BCCI વાઈસ પ્રેસિડન્ટ અને કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમની જીત બાદ ટ્વીટ કર્યું હતુ. આ ટ્વીટમાં શુકલાએ ટીમને અભિનંદન તો આપ્યા હતા. પરંતુ સાથે જ લખેલા કેટલાક શબ્દો વિવાદ સર્જવાનું કારણ બની રહ્યા છે. ટ્વીટર પર તેમના આ સંદેશા બાદ દેશભરમાંથી તે અંગે નારાજગી વ્યક્ત થવા માંડી છે. રાજીવ શુક્લાએ કરેલી ટ્વિટમાં ભારતીય ટીમની જીતને ખેલાડીઓના ધર્મ સાથે પણ જોડ્યો હતો. શુક્લાએ ટ્વીટર પર લખ્યું હતું કે, ઋષભ પંત-હિન્દુ, સિરાજ-મુસ્લીમ, શુભમન ગિલ-શીખ, વોશિંગટન સુંદર-ઈસાઈનો ઓસ્ટ્રેલિયામાં થયેલી જીતમાં મહત્વનો ફાળો રહ્યો છે.
આ મેસેજ તેને કોઈ મિત્રએ મોકલ્યા હોવાનો ઉલ્લેખ કરી મિત્રએ તેની પાસે મંતવ્ય માંગ્યું હતુ. આ પહેલા તેના મિત્રએ એક ફોટો સાથે ટ્વીટ કરી હતી કે, એક હિન્દુ અને બીજો મુસ્લિમ. બંને એ વાતથી ખુશ છે કે, ભારત જીતી ગયો. આ જ વાત જો દેશની પ્રજાને સમજાઈ જાય તો ધર્મના નામ પર ચાલી રહેલા વિવાદો બંધ થઈ જાય અને સાથે જ કેટલીક રાજકીય પાર્ટીની રાજકીય રોટલો શેકવાની કવાયત પણ પુરી થઈ જાય. શુકલાના આ મિત્રની વાત આમ તો સાચી છે. પરંતુ યુઝર્સ શુક્લાની ઝાટકણી કાઢવા માંડ્યા છે. એક યુઝરે લખ્યું હતુ કે, અમને તો આખી ટીમમાં માત્ર ભારતીયો જ દેખાયા હતા. બીજા એક યુઝરે રમત ઉપર રાજકારણ નહીં કરવા ટકોર કરી હતી. કેટલાક લોકોએ શુકલાની વિચારશક્તિ સામે સવાલો ઉઠાવ્યા હતા. કોમવાદના નામે વર્ગીકરણ તો કોંગ્રેસે જ કર્યું છે તેવા મત ટ્વિટર પર રજૂ થયા હતા.