બોલીવુડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા આમિર ખાને સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. તેમણે તેમના સોશિયલ અકાઉન્ટ જેવા કે ટ્વિટર, ઇંસ્ટાગ્રામ અને ફેસબુક સાથેનો નાતો તોડી નાંખ્યો છે. જો કે, આમિરે આ પગલું કેમ ભર્યું તે વિશે હજી અટકળો જ છે. આમિર ખાને ગત રોજ ઇંસ્ટાગ્રામ પર લખ્યું હતુ કે, મારા જન્મદિવસ નિમિત્તે આટલો પ્રેમ અને લાગણી આપવા માટે હું તમામ દોસ્તોનો ખુબ ખુબ આભાર માનુ છું. મારૂ દિલ ભરાઇ આવ્યુ છે. આ સાથે જ આમીર ખાને લખ્યું હતુ કે, આ મારી સોશિયલ મીડિયા પરની છેલ્લી પોસ્ટ છે. હું પહેલાથી જ સોશિયલ મીડિયા પર જોઈએ તેટલો સક્રિય ન હતો. અને હવે સોશિયલ મીડિયાથી જ દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ જ રીતે હું ચાહકો અને શૂભેચ્છકો સાથે વાતચીત કરતો રહીશ તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. દર વર્ષે આમિરખાન તેના જન્મદિવસે પત્રકારોને ઘરે બોલાવી ઉજવણી કરે છે.
જો કે આ વખતે આમિરે તેવું આયોજન કર્યું ન હતુ. આમિરે તેની સોશિયલ મીડિયા પરની અંતિમ પોસ્ટમાં તેના ચાહકોને સંદેશ આપતા લખ્યું હતુ કે, આ સાથે AKP આમિરખાન પ્રોડક્શને તેની ઓફિશિયલ ચેનલ બનાવી છે. મારી ફિલ્મોનું અપડેટ @akppl_officialથી મળી શકશે. આમિર ખાન ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયા સાથે સંકળાયો હતો. જો કે, તે પછી તે આ પ્લેટફોર્મનો ખાસ કોઈ ઉપયોગ કરી રહ્યો ન હતો. આમીર ખાને સોશિયલ મીડિયા સાથે નાતો તોડી નાંખતા પ્રશંસકો સાથે આમિર હવે બીજી કઈ રીતે જોડાશે તે વિશે તર્ક લગાવાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આમિર ખાન તેની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શુટીંગને પુરી કરવા માંગે છે. તેથી તેણે મોબાઇલ ફોન અને તમામ બીજા સંપર્ક બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું પણ ચર્ચામાં છે.