ઉત્તર પ્રદેશ એટીએસએ રવિવારે લખનઉના કાકોરી વિસ્તારમાંથી અલ કાયદાના બે આતંકીઓને દબોચી લીધા હતા. યુપીમા આતંકવાદી પકડાયાની ઘટનાને પગલે છેક દિલ્હી ગૃહમંત્રાલયમાં પણ હરકતમાં આવી ગયું હતુ. ગૃહમંત્રાલયે તરત જ આ કેસમાં પુરતી તપાસ કરવા એટીએસને સુચના આપી હતી. પકડાયેલા આતંકવાદીઓની પુરપરછ દરમિયાન તેઓએ કબૂલાત કરી હતી કે, 15મી ઓગષ્ટ પહેલા તેઓ ઉત્તરપ્રદેશમાં એક મોટો ધડાકો કરવાની યોજના પાર પાડવાના હતા. યુપીના ભાજપના મોટા નેતાઓ તેમના ટાર્ગેટ હતા. પરંતુ કોઈ યોજનાને અંજામ અપાઈ તે પહેલાં જ તેઓ પકડાઈ ગયા હતા.
મળતી વિગતો મુજબ નાના બ્લાસ્ટને કારણે યુપી-એટીએસને આ આતંકીઓ વિશે માહિતી મળી હતી. તેથી હજી પણ આ વિસ્તારમાં કેટલાક વધુ આતંકવાદીઓ હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. આતંકીઓ પકડાયાની જાણકારી મળતાં જ જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીઓએ યુપી પોલીસનો સંપર્ક કર્યો હતો. રવિવારે સાંજ યુપીના એડીજી પ્રશાંત કુમારે મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે, યુપીની એટીએસે આંતકવાદીઓને પકડવામાં સફળતા સાથે મોટા મોડેલનો પર્દાફાશ કર્યો છે. લખનઉના કાકોરી વિસ્તારમાંથી અલ કાયદાના બે આતંકીઓની ધરપકડ થયા બાદ તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. આરોપીઓને પાકિસ્તાનથી ઉમર અલ-મંદી નામનો શખ્સ સુચનાઓ આપતો હતો. ઉમર અલ-મંદી નામનો શખ્સ હાલ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક સંતાયો હોવાના ઈનપુટ મળ્યા છે. એડીજી પ્રશાંત કુમારે વધુમાં કહ્યું હતુ કે, આ લોકો લખનઉમાં એક મોડેલ ઉભુ કરવાની તૈયારી કરી રહ્યા હતા. મોડેલના પ્રમુખ સભ્ય મસરૂદ્દીન અને શકીલ એક મોટું ષડયંત્ર ઘડી રહ્યા હતા. 15 ઓગસ્ટ પહેલા ઉત્તરપ્રદેશમાં કોઈ પણ સ્થળે તેઓ વિસ્ફોટ કરવા માંગતા હતા.
આ અંગેની ગુપ્ત બાતમી મળતી જતાં યુપી એટીએસની ટીમે તરત જ તપાસ કરી હતી. જે બાદ દરોડામાં યુપી એટીએસે સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. આ ટીમ ઠાકુરગંજ વિસ્તારમાં ફરીદીપુર પહોંચી હતી. ત્યાં બે મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને આરોપીને ઝડપી પડાયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. ઉમ્ર-અલ-મંદી દ્વારા અલકાયદામાં ભારતમાંથી આ શખ્સોની ભરતી કરવામાં આવી હતી. અહીં કેટલાક જેહાદી લોકોની ઓળખ કરવામાં આવી હતી.