હૈદરાબાદમાં રહેતી દીપ્તી નારકૂટી નામની સોફ્ટવેર ઇજનેરને મલ્ટીનેશનલ કંપની માઇક્રોસોફ્ટમાં નોકરી મળી છે. આ નોકરીમાં તેને મળશે વાર્ષિક 2 કરોડનો પગાર ! દીપ્તીને એક સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર ગ્રેડ 2 ગ્રુપ માટે પસંદ કરવામાં આવી છે.હવે અમેરિકામાં માઇક્રોસોફ્ટના સિએટલ ખાતેના હેડક્વાર્ટરમાં કામ કરનારી દીપ્તીએ ફ્લોરિડા વિશ્વ વિદ્યાલયમાંથી કમ્યુટરમાં એમએસ કર્યું છે. માઇક્રોસોફ્ટે કુલ 300 ઉમેદવારોને નોકરીની ઓફર કરી હતી, જેમાં દીપ્તી એક છે. ઉપરાંત તેને બાકીના ઉમેદવારો કરતાં સૌથી મોટું પેકેજ મળ્યું છે. દીપ્તીની આ કાબેલિયતને કારણે આખું હૈદરાબાદ ગૌરવ અનુભવી રહ્યું છે. દીપ્તીના માતા પિતા જ નહીં હૈદરાબાદના પોલિસ કમિશ્નર અંજની કુમારે પણ ટ્વીટર પર દીપ્તીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને દીપ્તીના પિતાની સારા ઉછેર માટે પ્રશંસા કરી હતી.
મળતી માહિતી મુજબ દીપ્તીને પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરૂં કર્યા પહેલાંથી જ અમેરિકામાં કેટલાય એએએ રેટિંગવાળી કંપનીઓની કેટલીય ઓફર મળી હતી. યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ માટે જતી કેટલીય કંપનીઓમાં એમેઝોન અને ગોલ્ડમેને પણ દીપ્તીને નોકરી માટે ઓફર કરી હતી. 17 મેથી માઇક્રોસોફ્ટમાં પોતાનું કામ શરૂ કરનારી દીપ્તી પહેલાં જેપી મોર્ગનની સાથે એક સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતી હતી. ટેકનોલોજીમાં સ્નાતકનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે અમેરિકાની રોકાણકાર બેન્કમાં સામેલ થઇ હતી. દીપ્તીના પિતા હૈદરાબાદ પોલીસ કમિશ્નરેટમાં ફોરેન્સિક નિષ્ણાંત છે.