અમદાવાદ મ્યુનિસિપાલિટીએ લગ્નનો ઉલ્લાસ પરેશાનીમાં ફેરવી નાંખ્યો છે. એક ગરીબ પરિવારમાં લગ્નની શરણાઇ ગૂંજવાની હતી, ત્યાં હવે દુલ્હન તો ઠીક ઘરના પરિવારોએ પણ ક્યાં રહેવું એ પ્રશ્ન આવીને ઊભો થઇ ગયો છે. ઘરના સારા પ્રસંગની પણ પરવા કર્યા વિના અમદાવાદ પાલિકાએ એક પરિવારને રસ્તા પર લાવી દીધું છે. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ખરીવાડી વિસ્તારમાં એક પરિવાર વર્ષોથી રહેતું હતું. એ પરિવારમાં થોડા દિવસ પહેલાં વહુ લાવવાના ઓરતા હતા. લગ્નના ગીતો ગૂંજવા માંડ્યા હતા. પરંતુ એ રંગમાં અમદાવાદ પાલિકાએ ભંગ પાડ્યો છે. દબાણ દૂર કરવા માટે પાલિકાના કારભારીઓને ગમે ત્યારે ચાનક ચઢતી હોય છે. ખાસ તો ચોમાસા પહેલાં ઘણા પાલિકાઓ દબાણ દૂર કરવા નીકળી પડતી હોય છે. ચોમાસું બેસે ત્યારે પરિવારો માથા પરથી છત નીકળી જતાં ભારે પરેશાની ભોગવતા હોય છે. પાલિકાઓ જ્યારે ઝૂંપડાંના દબાણ થવા માંડે ત્યારે જાણે કુંભકર્ણ હોય એમ નિરાંતે ઘોરતા હોય છે. એક જ જગ્યાએ વર્ષોથી ઠરીઠામ થઇ ગયા બાદ પાલિકાના તંત્રની આંખ ખુલતી હોય છે અને ગમે ત્યારે બુલડોઝર લઇને દબાણ દૂર કરી નાંખવાનું શૂરાતન દેખાડતું હોય છે. એ સમયે એ ઘરમાં રહેનારાઓને શું વીતતી હશે, તેની માનવતાની શરમ પણ તંત્ર નેવે મૂકી દેતું હોય છે.
અમદાવાદના ખાનપૂર વિસ્તારમાં ખરીવાડીમાં એક પરિવાર વર્ષોથી રહેતું હતું. હવે દીકરાના લગ્ન કરવા માટે કંકોત્રી છપાઇ ગઇ અને મહેમાનોને આમંત્રણ પણ અપાઇ ગયું છે. પરંતુ આવા શુભ પ્રસંગની પણ પાલિકાને ક્યાં તમા હોય છે. તેને તો દબાણ દૂર કરવાની ચાનક ચઢી હોય, એ લગ્નવાળા ઘર ઉપર બુલડોઝર ફેરવી દીધું છે. હવે લગ્નમાં મહેમાનો આવશે, તો ત્યાં ઘરને બદલે કાટમાળ જ જોવા મળશે. ઘરમાં નવી વહુ આવશે અને શરણાઇના સૂર વચ્ચે દિવસો આનંદમાં જશે એવા સપના પરિવારે જોવા માંડ્યા હોય, પણ એ સપના ચકનાચૂર થઇ ગયા છે. પાલિકાએ દબાણ દૂર કરવાને નામે નવી દુલ્હન આવે એ પહેલાં જ તેના ઘરને કાટમાળમાં ફેરવી નાંખ્યું છે. પરિવાર હવે છત વિનાનો થઇ ગયો છે. પરિવારને જ રહેવા માટે હવે કોઇ આશરો નથી. પાલિકાએ વૈકલ્પિક કોઇ જ વ્યવસ્થા કરી આપી નથી, ત્યારે આ પરિવાર રસ્તા પર આવી ગયો છે અને પરિવાર જ બેઘર થઇ ગયો છે, ત્યારે લગ્નમાં આવનારાઓ તો કંકોત્રીમાં દર્શાવેલા સ્થળે પહોંચશે, ત્યારે ઘરને બદલે કાટમાળ જ જોશે અને શરણાઇના સૂરને બદલે પરિવારના દુઃખના આંસું જ લૂંછવાના આવશે. એ ઓછું હોય એમ નવી વહુ હવે ક્યાં રહેશે ?