કેન્દ્ર સરકારે નવું નાણાકીય વર્ષ આવતા પહેલા લાખો કર્મચારીઓને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કર્યો છે. આ વખતે ડીએમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ કેન્દ્રીય કર્મચારીઓને 01 જાન્યુઆરી, 2022થી વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. સરકારે હવે કર્મચારીઓ અને પેન્શનરોને 34 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 31 ટકાની જોગવાઈ હતી.
કેન્દ્રીય કર્મચારીઓને આગામી મહિનાના પગારમાં DAનો વધેલો ભાગ મળશે. તેમજ એપ્રિલ માસમાં કર્મચારીઓને તેમના છેલ્લા 3 મહિનાનું તમામ એરિયર્સ પણ આપવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને 73,440 રૂપિયાથી લઈને 2,32,152 20 રૂપિયા સુધીના એરિયર્સનો લાભ મળશે. એક અંદાજ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારાથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 10,000 કરોડનો વધારાનો બોજ પડશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 31 ટકા ડીએ મળે છે. 7મા પગાર પંચની ભલામણો અનુસાર સરકારે DAમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું હવે 34 ટકા થઈ જશે.
નોંધનીય છે કે 7મા પગાર પંચની ભલામણ અનુસાર સરકાર વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) ડીએમાં સુધારો કરે છે. આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓનો DA 28 ટકાથી વધારીને 31 ટકા કર્યો હતો.
સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થવાનો છે.હાલમાં કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા 50 લાખથી વધુ છે, જ્યારે 65 લાખ ભૂતપૂર્વ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શન મળી રહ્યું છે. આ રીતે ડીએમાં વધારો કરીને 1.15 કરોડથી વધુ લોકોને સીધો ફાયદો થવાનો છે.