નવી દિલ્હી,
કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. રાજપથને હવે કર્તવ્ય પથ નામ આપવામાં આવશે. મોદી સરકારે રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લોનનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લાની કિલ્લા પરથી તમામ ગુલામીમાંથી મુક્ત થવાની વાત કરી હતી. ત્યારથી રાજપથનું નામ બદલવાની અટકળો લગાવવામાં આવી રહી હતી.
સૂત્રોનું માનીએ તો ૭મી સપ્ટેમ્બરે NDMCની મહત્વની બેઠક યોજાવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં જ સરકારના આ નિર્ણયને મંજૂરી આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ તેમના ૧૫ ઓગસ્ટના ભાષણમાં વસાહતી માનસિકતા સાથે સંબંધિત પ્રતીકોથી સ્વતંત્રતા પર ભાર મૂક્યો હતો. આ દરમિયાન પીએમએ ૨૦૪૭ સુધી ફરજોના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. કર્તવ્ય પથના નામકરણ પાછળ આ બંને પરિબળો જોઈ શકાય છે.
નવા નિર્ણય અનુસાર, નેતાજીની પ્રતિમાથી રાષ્ટ્રપતિ ભવન સુધીનો આખો રસ્તો અને આ વિસ્તાર કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. સરકારી સૂત્રો કહે છે કે આ શાસક વર્ગ માટે પણ એક સંદેશ છે કે શાસકોનો યુગ પૂરો થયો છે. અગાઉ, જે રોડ પર પીએમનું નિવાસસ્થાન છે તેનું નામ પણ રેસકોર્સ રોડથી બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું.