તિબેટમાં બૌદ્ધો ઉપર આધિપત્ય જમાવવા માટે ચીન હવે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીમાં પણ રસ દાખવી રહ્યું છે. બીજી તરફ બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુની પસંદગીમાં ચીનના હસ્તક્ષેપને અટકાવવા માટે જગતજમાદાર અમેરિકા પણ કુદી પડ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી તિબેટ નીતિને મંજૂરી આપતા આગામી દલાઈ લામાની પસંદગી ફક્ત તિબેટના બૌદ્ધો કરે તેવી ટકોર કરી દીધી છે. આ સાથે જ તિબેટમાં અમેરિકન વાણિજ્ય દૂતાવાસ સ્થાપવા ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન બનાવવાની તરફેણ ટ્રમ્પે કરી છે.
અમેરિકાએ આ પહેલા પણ આગામી દલાઈ લામાની પસંદગીની બાબત ફક્ત તિબેટના બૌદ્ધ સમુદાયના લોકોની છે તેવું સ્પષ્ટ કર્યું હતુ. સાથે જ આ બાબતે ચીનન હસ્તક્ષેપનો વિરોધ કર્યો હતો.
દરમિયાનમાં ગત અઠવાડિયે અમેરિકન સીનેટે દલાઈ લામાની પસંદગી બાબતે બોદ્ધ ધર્મના તિબેટમાં વસતા લોકોને અધિકાર આપતો ઠરાવ સર્વસંમતિથી પસાર કર્યો હતો. જેમાં તિબેટના મુદ્દાઓ પર એક વિશેષ રાજદ્વારીની ભૂમિકાનું વિસ્તરણ કરવા નિર્ણય કર્યો હતો. અમેરિકાએ તિબેટમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે સેમ્યુઅલ ડી બ્રાઉનબેકને વિશેષ રાજદૂત જાહેર કર્યા છે.
બ્રાઉનબેકે અગાઉ કહ્યું હતુ કે, અમેરિકા એ ચીન તરફથી આગામી દલાઈ લામા પસંદ કરવાની વેતરણની વિરુદ્ધમાં છે. ચીન પાસે આવો કોઈ અધિકાર નથી.
બિલમાં તિબેટ સંબંધી મુદ્દાઓની ચર્ચા માટે અમેરિકાના રાજદ્વારીને સત્તા અપાઈ છે. આ જ રાજદ્વારા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ગઠબંધન કરવા પ્રયાસો કરશે. જેમાં આગામી દલાઈ લામાની પસંદગી ફક્ત તિબેટીયન બૌદ્ધ સમુદાય કરે, તેની તરફેણ કરતા દેશોને એકસાથે લવાશે.
વધુમાં તિબેટમાં તિબેટીયન સમુદાયના સમર્થનમાં બિન સરકારી સંગઠનોને સહાયતા આપવા યુએસ વિચારણા કરી રહ્યું છે. જ્યાં સુધી તિબેટના લ્હાસામાં અમેરિકન વાણિજ્ય દૂતાવાસની સ્થાપના નહીં થાય ત્યાં સુધી અમેરિકામાં નવા ચીની વાણિજ્ય દૂતાવાસો પર પ્રતિબંધની વાત પણ અમેરિકા કરી રહ્યું છે,