ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને સરકાર તરફથી રાહતના સમાચાર મળી રહ્યા છે. સરકારે 24 કલાકમાં પોતાનો એક મોટો નિર્ણય રદ કર્યો છે. એમ કહી શકાય કે ગુજરાત સરકારે વધુ એક યુ-ટર્ન લીધો છે, રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાના શિક્ષકોને 8 કલાક ફરજિયાત હાજર રહેવાનો પરિપત્ર રદ કરી દેવાયો છે. આજે કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ નિયામકે બહાર પાડેલો પરિપત્ર રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મંગળવારે જ શિક્ષણમંત્રીએ આ નિર્ણયમાં ફેરફાર નહીં કરવાનો હુંકાર કર્યો હતો. ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકારના તમામ વિભાગોના કર્મચારીઓ 8 કલાક કામ કરે જ છે. શિક્ષકો પણ રાજ્ય સરકારની એક સિસ્ટમના જ એક ભાગ છે માટે અન્ય વિભાગની જેમ શિક્ષકોએ પણ 8 કલાક કામ કરવું જોઈએ.