અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી પણ યોજાઇ રહી છે. આ ચૂંટણી માટે અનેક ઉમેદવારો જંગમાં ઉતરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારી કરવા માટે રાફડો ફાટ્યો છે. અનેક લોકોએ દાવેદારી કરી છે, તો કોંગ્રેસ પણ તમે ધારો એવી નામશેષ થઇ નથી. અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે એક બે નહીં પણ પૂરા બે હજાર લોકોએ કોંગ્રેસના ઉમેદવાર બનવા માટે દાવેદારી કરી છે. એ દાવેદારી બાદ હવે કોંગ્રેસે ઉમેદવાર બનવા માટે દાવેદારો સમક્ષ એક બાંહેધરી માંગી રહી છે. કોંગ્રેસ સાવ ખાડે ગઇ નથી. વિધાનસભાની વાત કરીએ તો મોદીજી ભલે લોકપ્રિય મુખ્યમંત્રી રહ્યા હોય, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિધાનસભામાં ભાજપનું કદ ધીરે ધીરે ઘટતું રહ્યું છે. ગઇ વિધાનસભામાં તો ભાજપ ત્રણ આંકડે પણ પહોંચ્યું ન હતું. એ વાત અલગ છે કે છેલ્લી રાજ્યસભાની ચૂંટણી વખતે સાતેક કોંગ્રેસી ધારાસભ્યોએ ભાજપનો ભગવો પહેરી લીધો હતો. ભાજપે એ તમામને ખરીદી લીધા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કરતી રહી છે. એ પણ ખરૂં કે કોઇ પણ મોટા ફાયદા વિના ધારાસભ્ય પોતાની બેઠક પરથી રાજીનામું આપી દે એટલા નાસમજ તો હોય જ નહીં. ધારાસભ્ય પદનો પણ એક રૂતબો છે અને એ માનમરતબો મળે ઉપરાંત ભથ્થાં અને પગાર પણ સારો મળતો હોય ત્યારે તે કોણ ગુમાવે ?
એ જોતાં જે ધારાસભ્યો પક્ષપલટો કરે છે, તે પોતાના વિશાળ લાભનો વિચાર કરીને જ પાલટી બદલી લેતાં હોય છે. સ્વાભાવિક છે કે આ પ્રકારનો પક્ષ પલટો કોંગ્રેસને નબળી પાડી રહ્યો છે. વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસનું સંખ્યાબળ ધીરે ધીરે વધી રહ્યું છે, ત્યારે અંગત લાલચને કારણે વિધાનસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં કૂદકો મારે તો કોંગ્રેસ વધુ ક્ષીણ થતી જાય છે. આવા આયારામ ગયારામને રોકવા માટે હવે કોંગ્રેસ અમદાવાદ મહાનગર પાલિકામાં દાવેદારો પાસેથી એક બાંહેધરી પત્ર માંગી રહી છે. કોંગ્રેસે તેના દાવેદારો પક્ષમાંથી ચૂંટાયા બાદ પક્ષ નહીં છોડે એવી બાંહેધરી માંગી છે. સ્વાભાવિક છે કે પક્ષમાં ચૂંટાયેલા સભ્યો અકબંધ રહે તો કોંગ્રેસ માટે ભવિષ્યમાં તક રહેલી જ છે. 1991થી ભાજપ ગુજરાતમાં સત્તાસ્થાને રહ્યો છે, તેને કારણે હવે ધીરે ધીરે ભાજપ સામે પણ અવાજ ઉઠવા માંડ્યો છે. જો કોંગ્રેસ સબળ વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી શકે તો આવનારા સમયમાં પરિવર્તનની આશા સાવ ઠગારી નીવડે એમ નથી. તેથી કોંગ્રેસે પાણી પહેલાં પાળ બાંધવા માંડી છે. કોંગ્રેસ તેના દાવેદારો પાસેથી પક્ષ નહીં છોડવા માટે બાંહેધરી પત્ર લખાવી રહી છે. જો કે એ પત્ર કોંગ્રેસ સાથે ચૂંટાયેલા સભ્યોને જકડી રાખવામાં સફળ થશે ખરો એ એક પ્રશ્ન છે. કાગળ પર સહી કરીને બાંહેધરી આપવાથી કાંઇ પક્ષ સાથે રહેવાનો કોઇ કાયદાકિય આધાર રહેતો નથી. આવા કાગળ સામે નૈતિકતાનો એક પ્રશ્ન છે. જો નેતા નૈતિક રહેશે તો તે કોઇ પણ પક્ષમાંથી ચૂંટાયા બાદ તે તે પક્ષ સાથે છેડો ફાડી શકે નહીં. ખેર કોંગ્રેસનો આ પ્રયોગ કેટલો સફળ થશે, એ તો સમય જ કહેશે.