દક્ષિણ અમેરિકા નજીકના વેનેઝુએલામાં આર્થિક તંગી અને ભયંકર ફુગાવાને કારણે સ્થિતિ કથળી રહી છે. તેથી સરકારે 10 લાખ બોલિવરની નવી નોટ માર્કેટમાં મુકી દીધી છે. જો કે, આ નોટની દુનિયાના અન્ય દેશોની તુલનામાં ઝાઝી કિંમત નથી. ભારતમા તો અડધો લીટર પેટ્રોલ જ આટલી કિંમતમાં ખરીદી શકાય છે. અત્યારે વેનેઝુએલામાં ભ્રષ્ટાચારનું પ્રમાણ એટલું વધ્યુ છે કે, નાગરિકોને કેટલાક વિસ્તારમાં અવરજવર માટે પણ પૈસા ચુકવવા પડે છે. આ દેશ આઠ વર્ષથી ભયંકર મંદીની ચપેટમાં મુસીબતો વેઠી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, વેનેઝુએલા એક સમયે લેટિન અમેરિકાનો સૌથી ધનિક દેશ હતો. તેની પાસેથી સાઉદી અરબથી પણ વધુ તેલ છે. સોનું અને હીરાની ખાણોમાં પણ છે. આમ છતાં તે દેશનું અર્થતંત્ર સંપૂર્ણપણે તેલ પર નિર્ભર છે. સરકારને 95 ટકા આવક તેલના નિકાસ થકી જ થાય છે.
પરંતુ 1998થી તેની સ્થિતિ બદલાવા માંડી હતી. તે સમયે ત્યાં રાષ્ટ્રપતિ બનેલા હ્યુગો શાવેજે લાંબા સમય સુધી સત્તા જાળવી રાખવા કરેલા ફેરફારોએ દેશને માથે આફતોના પહાડ ખડકી દીધા છે. શાવેજે સરકારી અને રાજકીય ફેરફારો સાથે ઉદ્યોગોનું સરકારીકરણ કરી નાંખ્યું હતુ. આ ઉપરાંત પ્રાઇવેટ સેકટરની વિરૂદ્ધ તેમણે હલ્લાબોલ કરી નાંખતા દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવા માંડ્યો હતો. આવા સંજોગોમાં સરકારી સહાસોને પૈસાની તંગી પડતા લોન લેવાઈ અને તે પછી આખો દેશ દેવામાં ડુબતો ગયો હતો. તેલ કંપનીઓ પાસેથી પૈસા લઇ જરૂરિયાતમંદ તબક્કા પર ખુલીને ખર્ચ કરતા શાવેજ મસીહા તો બની ગયા પરંતુ વેનેઝુએલાનું અર્થતંત્ર પાયમાલ થઈ ગયું છે. વેનેઝુએલાના અર્થતંત્રની સ્થિતિ એટલી કથળી છે કે, કેટલાક લોકો સોનું વેચીને જીવનજરૃરિયાતની ચીજવસ્તુની ખરીદી કરવા લાચાર બન્યા છે. ભૂખમરામાં પણ વેનેઝુએલાની નોંધ લેવાઈ રહી છે.
અહીં દરરોજ લાખો લોકો ભૂખ્યા સૂવે છે. દેશના લાખો લોકો પાસે ખાવાપીવાની ચીજવસ્તુ ખરીદવા માટે પણ પૈસા રહ્યા નથી. દરમિયાન વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કે કહ્યું કે દેશના અર્થતંત્રને જોતા આટલી મોટી કરન્સી નોટને રજૂ કરવી પડી છે. આવતા સપ્તાહે બે લાખ બોલિવર અને પાંચ લાખ બોલિવરની નોટ પણ માર્કેટમાં મુકાશે. હાલમાં વેનેઝુએલામાં 10 હજાર, 20 હજાર, અને 50 હજાર બોલિવરની નોટ ચલણમાં છે. વેનેઝુએલામાં ભારતના 1 રૂપિયાની કિંમત 25584.66 બોલિવર છે. વેનેઝુએલામા આજે ફુગાવા પ્રમાણે 10 લાખ બોલિવરની કિંમત અડધા અમેરિકન ડોલર એટલે કે ભારતીય કરન્સી પ્રમાણે લગભગ 36 રૂપિયા માની શકાય. એટલામાં તો ભારતમાં અડધું લીટર પેટ્રોલ પણ મળતુ નથી. એક સમયે અખૂટ તેલ ભંડાર ધરાવતા વેનેઝુએલાની સ્થિતિ હજી પણ કથળી રહી છે.