ભારત સરકારે 2019માં જ દેશના આઠ એરપોર્ટનુ પીપીપી ધોરણે સંચાલન કરવાનો નિર્ણય કરીને તેના અમલીકરણ માટે પ્રક્રિયા શરુ કરી દીધી હતી. જે બાદ દેશના પ્રમુખ એરપોર્ટનું મેનેજમેન્ટ પ્રાઈવેટ સેકટરને સોંપવા માટે કેન્દ્ર સરકારે વર્ષ 2019માં જ ટેન્ડર મંગાવ્યા હતા. આ બિડીંગમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, ગુવાહાટી, તિરુવનંપુરમના એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી ગ્રૃપને મળ્યું છે. શરતો મુજબ હવે અદાણી ગ્રૃપ આ એરપોર્ટનું 50 વર્ષ સુધી સંચાલન કરશે.
ગુજરાત સાથે સંકળાયેલા મુંબઈ અને અમદાવાદ જેવા એરપોર્ટનું સંચાલન ગૌતમ અદાણીના અદાણી જૂથે લીધું છે. આ ગ્રૃપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટેકઓવર પૂરું કરી લેતાં હવે પછી તમામ સંચાલન આ જૂથ કરનાર છે. આ અંગે ખુદ ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું હતુ કે, અદાણી ગ્રૃપ અત્યાર સુધી દેશના વિવિધ પોર્ટનું સંચાલન કરી રહ્યું હતુ. જો કે, હવે અમારું જૂથ આગળ વધીને એરપોર્ટ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત બનાવવા માંગે છે. સરકારના નિર્ણય અને ધારાધોરણ પ્રમાણે અમે દેશના એરપોર્ટનું સંચાલન કરવા કટિબદ્ધ છીએ. મુંબઈ એરપોર્ટનું ટેકઓવર અદાણી જૂથનું તે દીશાનું સૌથી મોટું પગલું છે.
વર્લ્ડ ક્લાસ મુંબઈ એરપોર્ટના મેનેજમેન્ટની તક મળતા જ અમે તે બાબતનો ગૌરવ અનુભવીએ છીએ. અમે એરપોર્ટના સંચાલનમાં કોઈ કચાશ નહીં રાખીએ. અદાણીએ પોતાની ટ્વિટમાં વધુમાં લખ્યું છે કે, અમારુ વચન છે કે, અદાણી ગ્રૃપ આ એરપોર્ટના સંચાલન સાથે બેરોજગાર યુવાનો માટે શક્ય તેટલી નોકરીની તકનું સર્જન કરશે. બિઝનેસ, નવરાશ અને મનોરંજન માટે આ એરપોર્ટ પર ખાસ સુવિધા ઉભી કરાશે.