અમદાવાદના સાણંદ પાસે મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્કનું નિર્માણ કરવાની દીશામાં સરકાર ઝડપથી આગળ વધી રહી છે. પાર્ક માટે અદાણી જૂથ અને સરકાર વચ્ચેના સમજૂતી કરાર થયો હતો. અદાણી સાથે થયેલા કરાર પછી આવશ્યક સંવૈધાનિક મંજૂરી મળે એટલે છ મહિનામાં પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરાશે અને તેને 2023 સુધીમાં પૂર્ણ કરાશે. 50 હજાર કરોડના ખર્ચે બનનારો આ પાર્ક ભારતનો સૌથી મોટો મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્ક હશે. આ પાર્કને માત્ર ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર અને દેશના બંદરો સાથે સીધો જોડવામાં આવશે. જેથી વૈશ્વિક સ્તરે ઉદ્યોગોનો વિકાસ થશે. મળતી વિગતો મુજબ આ મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્ક સાણંદ પાસેના વિરોચનનગરની 1450 એકર જમીનમાં આકાર લેશે. લોજીસ્ટીક પાર્કમાં ઇ-કોમર્સ અને બીટીએસ સુવિધા હશે. આ ઉપરાંત વેરહાઉસ, કન્ટેનર યાર્ડ અને હેન્ડલીંગ લાઇનો સહિતની તમામ સુવિધા ઉભી કરાશે.
આ અગાઉ લોજીસ્ટીક પાર્ક માટે રાજ્યની ઉદ્યોગ કચેરી તથા મુખ્યમંત્રી કચેરીના એડિશનલ ચીફ સેક્રેટરી એમકે દાસ અને અદાણી એપીએસઇઝેડના મુખ્ય કાર્યકારી અધિકારી કરણ અદાણી વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. લોજિસ્ટિક પાર્ક એ પ્રકારનો વિસ્તાર છે જ્યાંથી માલ-સામાનની હેરફેર બહુ જ ઝડપથી થઇ શકે. જેને કારણે સમય અને ઇંધણની બચત થશે. આ સાથે પૈસા અને પર્યાવરણ પણ બચે છે. એટલે દેશમાં જુદી જુદી જગ્યાએ આવા પાર્ક બનાવવાનુ આયોજન છે. સાણંદના પાર્કથી 25000 કરતાં વધુ લોકોને રોજગારી મળશે તેવો દાવો સરકારે કર્યો છે. આ પાર્કમાં રેલવે ફ્રેટ ટર્મિનલ પણ હશે. તેને ડીએફસી સાથે જોડાશે. આ પહેલા આસામમાં આ પ્રકારનો લોજિસ્ટિકસ પાર્ક બનવાની શરૂઆત કરાઈ છે. જોકે, સાણંદ પહેલા ધોલેરામાં આ પ્રોજેક્ટ લાવવાની વાત હતી પરંતુ હવે તે બનશે કે નહીં તે અંગે સવાલો ઉઠ્યા છે.