ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના નવા આંકડા પ્રમાણે અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડિપ્લોમા લેવલે એન્જિનિયરિંગનો ક્રેઝ ઘટવા માંડ્યો છે. ચાલુ વર્ષે આખા દેશમાં ૨૩.૨૮ લાખ બેઠકો જ ભરાઈ છે. આ સંખ્યા છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી ઓછી છે. જો કે આ ઘટાડો ૨૦૧૪-૧૬થી જોવા મળી રહ્યો છે. ૨૦૧૫-૧૬થી દરેક વર્ષે ઓછામાં ઓછી ૫૦ કોલેજો બંધ થઈ રહી છે. મળતી વિગતો મુજબ ૨૦૧૪-૧૫ પહેલાં ભારતમાં એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવીને એન્જિનિયર થવાનું સપનું બોર્ડની પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ પૈકી 50 ટકા કરતા પણ વધુનું રહેતું હતુ. આ સમયે એન્જિનિયરિંગનો ભારે ક્રેઝ રહેતો હતો. જો કે, તે પછી બેઠકો ભરાવાની સંખ્યામાં સતત ઘટાડો થયો છે. પ્રવેશ ક્ષમતામાં ઘટાડો છતાં હજી પણ એન્જિનિયરિંગ હાલ દેશમાં ટેકનિકલ એજ્યુકેશનના ક્ષેત્રમાં સૌથી વધારે એડમિશન આપતો કોર્સ છે. હાલમાં ટેકનિકલ એજ્યુકેશનની કુલ બેઠકોમાં ૮૦ ટકા બેઠકોમાં એન્જિનિયરિંગનું વર્ચસ્વ છે.
આ સ્થિતિ માટે સાત વર્ષ અગાઉ શરૃ કરવામાં આવેલી એકીકરણ નીતિને જવાબદાર માનવામાં આવે છે. જેને પગલે લગભગ ૪૦૦ કોલેજો બંધ થઇ ગઈ છે. પાછલા વર્ષે કોરોનાકાળ હતો. તેથી આ વર્ષને બાદ કરીને ગણતરી કરાય તો ૨૦૧૫-૧૬ પછીથી દેશમાં દરેક વર્ષે ઓછામાં ઓછી ૫૦ કોલેજો બંધ થઇ છે. ૨૦૨૧માં વધુ ૬૩ એન્જિનિયરિંગ કોલેજો બંધ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ વર્ષે પણ અનેક સંસ્થાનો બંધ થઈ છે. તેથી એડમિશનની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. પરિણામે આખા દેશમાં એન્જિનિયરિંગની બેઠકોમાં ૧.૪૬ લાખ બેઠકોનો ઘટાડો થયો છે.
નવી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવા ટેકનિકલ શિક્ષણ નિયામકની મંજૂરી આવશ્યક છે. પરંતુ આ કચેરીએ મંજૂરી માટે જતી અરજીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે. હાલ તે સંખ્યા પાંચ વર્ષના નીચલા સ્તર ઉપર છે. ૨૦૧૯માં તંત્રએ ૨૦૨૦-૨૧થી શરૃ થનારી નવી સંસ્થાઓને બે વર્ષની મહેતલ આપવાની જાહેરાત કરી હતી. હાલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે માત્ર ૫૪ નવી સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે.