ક્રિકેટ હોય કે કોઈ પણ રમત હોય આ શ્રેત્ર હવે પ્રોફેશનલ બની ગયું છે અને તે જરૂરી હતું. એક સમય હતો જ્યારે રમતમાંથી કોઈને કાંઈ મળતું ન હતું અને માત્ર ગૌરવ માટે કે દેશ માટે રમવાનું હતું. ખેલાડીઓને પૂરતી સવલત પણ મળતી ન હતી તેને બદલે હવે પ્રસારણ અધિકારથી માંડીને રમતવીરોના કપડા કે તેમના યુનિફોર્મ પરના લોગોમાંથી પણ કમાણી થવા લાગી છે. આ સારી બાબત છે, આવકાર્ય છે. ભારતીય ક્રિકેટ બોર્ડની જ વાત કરીએ તો તેની સૌથી ધનાઢ્ય લીગ એટલે કે આઇપીએલ માટે બોર્ડે લગભગ 16 હજાર કરોડ રૂપિયામાં મેચોના પ્રસારણના રાઇટ્સ વેચેલા છે. બોર્ડને મેચ દીઠ અંદાજે 55 કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. જે ભારતની કોઈ ઇન્ટરનેશનલ (ટેસ્ટ, વન-ડે કે ટી20) મેચમાંથી પણ થતી નથી. તેમાંથી બોર્ડે પ્રતિમેચ 43 કરોડ રૂપિયા મળે છે. આમ બોર્ડ અગાઉ હતું તેના કરતાં પણ વધારે ખમતીધર બની ગયું છે. આમેય ક્રિકેટ જગતમાં અન્ય દેશના તમામ ક્રિકેટ બોર્ડ કરતાં પણ બીસીસીઆઈ ધનાઢ્ય છે જ. એક વાત ચોક્કસ છે કે બોર્ડ માટે અને વિવિધ ફ્રેન્ચાઇઝી માટે આઇપીએલ ક્રિકેટ લીગ (તેને ઇવેન્ટ પણ કહી શકાય) સોનાના ઇંડા આપતી મરઘી સમાન બની ગઈ છે જેમાં ચારે તરફથી પૈસો જ પૈસો છે એમ દેખાઈ રહ્યું છે. જોકે તેમાં ખર્ચ પણ એટલો થતો હશે તે વાત પણ સાચી છે.
સળંગ બે મહિના સુધી દેશના વિવિધ ખૂણે મેચનું આયોજન કરવું, મેચ સાથે સંકળાયેલા તમામને વળતર ચૂકવવું, ખેલાડીઓની ખરીદી અને તેમને આપવામાં આવતી ફી, તેમને અપાતા દૈનિક ભથ્થાં, ફાઇવ કે સેવન સ્ટાર હોટેલમાં રહેવાનો ખર્ચ, સરેરાશ બે દિવસે એક વાર વિમાની મુસાફરીનો ખર્ચ, અધિકારીઓ, અમ્પાયર્સ, રેફરી તથા અન્ય ઓફિશિયલ્સની ફી વગેરેનો ખર્ચ પણ જંગી આવતો હોય છે અને આ ઉપરાંત એક મેચ યોજવા માટે, તેના નિભાવ ખર્ચ વગેરેની ગણતરી પણ ખરી. આમ એ કબૂલ કે બોર્ડ કરોડો કમાશે તો સામે તેને ખર્ચ પણ થવાનો છે. હવે માત્ર પ્રસારણની આવકમાંથી જ બોર્ડ કમાતું નથી. આ સિવાય પણ એવા ઘમા સાધનો છે જેમાંથી તેને આવક થાય છે જેમ કે ટાઇટલ સ્પોન્સર્સ, હોર્ડિંગ્સની જાહેરાત, ટીમ સ્પોન્સર્સ, ટુર્નામેન્ટમાં અન્ય સ્પોન્સરશિપ. આમ આ આવકનો પણ ઉમેરો કરીએ તો અંદાજ કાઢવો મુશ્કેલ છે કે બોર્ડની તિજોરી કેટલી હદે છલકાતી હશે.
અને તેમાં ટિકિટની આવક તો ગણી જ નથી. સૌથી મહત્વની વાત છે પ્રેક્ષકોની હાજરી. આ જ તો મહત્વની બાબત છે. આખરે આ મેચ કે સ્પોન્સર કે જાહેરાતો વગેરે શેના માટે અને કોના માટે છે? ક્રિકેટર તો મેદાનમાં જઈને રમવાના છે, પણ મેચ નિહાળવા આવનારા પ્રેક્ષકોના આધારે જ આ બધું થઈ રહ્યું છે, ટીવી પર મેચ નિહાળનારા પ્રેક્ષકો રમતની સાથે સાથે જાહેરાતો પણ જોવાના છે જેમાંથી પ્રસારણકર્તા તેનો ખર્ચ કાઢવાનો છે. અહીં બે મહત્વના મુદ્દા છે. પ્રસારણકર્તાએ તો જંગી રકમ આપી દીધી છે તો જાહેરાત આપનારી કંપનીઓ પણ તેમને પેમેન્ટ કરી રહી છે.
બીજો મુદ્દો પ્રેક્ષકોનો છે. કોઈએ સ્ટેડિયમમાં જઈને સાત કે આઠ કલાક સુધી તડકામાં બેસીને પાણી માટે પણ વલખાં મારતા પરંતુ ક્રિકેટને પોતાનો ધર્મ સમજીને, બાઉન્ડ્રી નજીક પોતાનો હીરો એકાદ વાર દર્શન આપી જાય તે માટે પરેશાન થતાં એ ક્રિકેટપ્રેમીઓ વિશે ક્યારેય વિચાર કર્યો છે. કોઈ પણ ઇન્ટરનેશનલ મેચ વખતે સ્થાનિક મીડિયા પ્રેક્ષકોને પડતી અગવડ વિશે લખતા હોય છે. આઇપીએલમાં તો હજી પણ થોડું ધ્યાન અપાય છે કેમ કે સ્ટેડિયમને સાફસૂથરા રાખવા કે ગંદકી દૂર કરવા માટે ફ્રેન્ચાઇઝી કામગીરી બજાવતી હોય છે પરંતુ એ સિવાય આખા વર્ષ દરમિયાન એ સ્ટેડિયમની શું હાલત હોય છે અને મેચ વખતે તેને ઉપરથી મેકઅપ કરી દેવાતા હોય છે. લાંબી લાઈનો, પાર્કિંગ પાસ ન હોય તો દૂર સુધી વાહન પાર્ક કરવાનું, પોલીસના લાઠીચાર્જથી બચીને આગળ વધવાનું, સિકયોરિટીથી નજર બચાવવાની, અંદર કાંઈ લઈ જવા દેવાય નહીં એટલે મોંઘાભાવની ચીજો કે પાણીની બોટલ ખરીદવાની અને છતાં હસતા મુખે જાણે પિકનીક મનાવીને આવ્યા હોય તેમ મેચના વખાણ કરવાના. પ્રેક્ષકોની આ લાચારી કોણ દૂર કરશે.
ભારતમાં અને વિદેશમાં અદ્યતન સવલત સાથેના સ્ટેડિયમ બની રહ્યા છે. મોટેરાનું ઉદાહરણ લઈએ તો વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્ટેડિયમમાં તેની ગણતરી થઈ છે. હવે બોર્ડે ધ્યાન એ રાખવાનું છે કે ત્યાં મેચ નિહાળવા આવનારા હજારો ક્રિકેટપ્રેમીઓ પરેશાન થાય નહીં. ખરેખર તો તેઓ જ ક્રિકેટને જીવંત રાખે છે. પ્રેક્ષક વિના (મેદાન પર કે ટીવી પર) ક્રિકેટ કે કોઈ પણ રમતનું આયોજન કેવું થાય છે તે તાજેતરમાં કોરોનાને કારણે ઇંગ્લેન્ડમાં રમાયેલી સિરીઝમાં જોવા મળ્યું હતું. યુનાઇટેડ આરબ અમિરાતમાં આઇપીએલ યોજાઈ ત્યારે પણ જોવા મળ્યું. ખાલી સ્ટેડિયમમાં રમાતી મેચોમાં ક્રિકેટરને પણ મજા આવતી નથી.
ટીવી પર મેચ નિહાળીને પ્રેક્ષક સંતોષ માનવાનો છે પણ મેદાન પર તેના માટે કેવી સવલત છે તે જોવું જરૂરી છે. માત્ર ભવ્ય સ્ટેડિયમ બનાવી દેવાથી કામ પૂર્ણ થતું નથી. દૂર દૂરથી આવતો એ રમતપ્રેમી જીવનભર તેના માનીતા હીરોની રમત તો યાદ રાખશે પણ તેણે જે હાલાકી ભોગવી છે તેને પણ ભૂલશે નહીં અને બીજી વાર મેચ નિહાળવા તે સ્ટેડિયમ આવતા અગાઉ વિચાર કરશે. તે એવા જ ઉત્સાહ સાથે સ્ટેડિયમમાં વારંવાર આવે તેવી જોગવાઈ કરવાની જવાબદારી હવે આયોજકોની છે.