ગુજરાતીઓ હવે માત્ર વેપાર ધંધામાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં આગળ ધપી રહ્યા છે. દેશ વિદેશમાં અત્યાર સુધી ગુજરાતીઓ વિવિધ વેપાર ધંધામાં જોતરાયેલા જોવા મળ્યા છે. જો કે, નવી પેઢી હવે તેનાથી એક ડગલુ આગળ વધી રહી છે. હાલમાં એક યુવતીએ ગુજરાતનું નામ વિદેશમાં રોશન કર્યું છે. ભારતમાં વધુમાં વધુ મહિલાઓને આર્મીમાં જોડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે USAની આર્મીમાં મૂળ ગુજરાતી યુવતી લક્ષીતા ચૌહાણ ફરજ બજાવતી થઈ ગઈ છે. આ યુવતીને ખૂબ જ નાની ઉંમરે USAની આર્મીમાં જોડાવવાનું સૌભાગ્ય મળ્યું છે. અમદાવાદમાં ધોરણ 12 સાયન્સમાં પાસ થઈને લક્ષીતાએ નર્સિંગનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતુ, જો કે, આ માટે તે દેશમાં નહીં પરંતુ વિદેશ જવા ઈચ્છતી હતી. આજ કારણે તે અમદાવાદથી USA ગઈ હતી. આ સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. જે બાદ તેણીએ મેડીકલનો અભ્યાસ શરૃ કર્યો હતો. આ દરમિયાન એટલે કે 2017માં તેને યુએસએનું ગ્રીન કાર્ડ મળી ગયું હતુ.
ભારતથી અમેરિકા પહોંચ્યા બાદ પણ લક્ષીતાએ કર્યારે USAની આર્મીમાં જવાનું વિચાર્યું ન હતુ. પરંતુ વર્ષ 2017માં લક્ષીતાએ ગ્રીન કાર્ડ મળ્યા બાદ તેને USA આર્મીમાં જવાની તક મળી અને તે તેણી ઝડપી લીધી હતી. લક્ષીતાએ USA આમીમાં જોડાવવા માટે એક અરજી અરજી કર્યા પછી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેણે કડક તાલીમને સફળતાપૂર્વક પાર પાડી હતી. જેને કારણે તેની આર્મી માટે પસંદગી થઈ હતી. હાલ તે યુએસએ એડીનસમાં ફરજ બજાવી રહી છે.
લક્ષીતા એવી પહેલી ગુજરાતી યુવતી છે કે, જેને ગ્રીન કાર્ડ મેળવ્યા પછી આવી રીતે USA આર્મી જોઈન કર્યું છે. હાલ લક્ષીતાને શિરે હથિયાર અને એમ્યુંનેસનની સુરક્ષા અને તેના સ્ટોરની જવાબદારી છે. લક્ષીતા સ્ટુડન્ટ વિઝા પર USAમાં અભ્યાસ કરવા માટે ગઈ હતી અને તેને પોતાના દમ પર આર્મી જોઈન કર્યું છે. આમીમાં જોડાયા બાદ હવે લક્ષીતાનું સ્વપ્ન ઉચ્ચ અધિકારી બનવાની છે. અમદાવાદની આ યુવતીએ તેના પરિવારનું જ નહીં, પરંતુ ગુજરાત અને ભારતનું ગૌરવ પણ વધાર્યું છે.