બે વર્ષથી કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દુનિયામાં હવે ડેલ્ટા પ્લસ વેરીએન્ટ તરખાટ મચાવી રહ્યો છે. જેને કારણે બ્રિટીન, જર્મની, ઈટલી સહિતના અનેક દેશોમાં ફરી પ્રતિબંધો લદાવા માંડ્યા છે. બીજી તરફ શનિવારે ચીનમાં નવો જ જીવલેણ મન્કી બી વાયરસ દેખા દેતાં સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. એક પશુ ચિકિત્શકના એપ્રિલ મહિનામાં લેવાયેલા ફ્લૂઈડ સેમ્પલમાં સંશોધકોને મંકી વાઇરસ (BV) દેખાયા હોવાનો દાવો થઈ રહ્યો છે. જો કે, હાલ તેના સંપર્કમાં આવેલા લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ વાઇરસની ઓળખ 1932માં થઈ હતી. આ વાઇરસ સીધા સંપર્કમાં આવવાથી અને શારીરિક સ્ત્રોતના આદાન પ્રદાનથી ફેલાતો હોય છે.
2019ના અંતિમ મહિનાઓમાં ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઇરસ આજે સમગ્ર દુનિયામાં પ્રસરી ચૂક્યો છે. કોરોના વાયરસના ફેલાવા માટે ચીન ભલે પોતાને નિર્દોષ માને છે પરંતુ દુનિયાના મોટાભાગના દેશોનો આરોપ છે કે, વાયરસના ફેલાવા માટે ચીન જ જવાબદાર છે. આજે સમગ્ર દુનિયામાં વેકસીનેશનની કામગીરી ચાલી રહી છે. ત્યાં કોરોનાનો મ્યુટેન્ટ થયેલો ડેલ્ટા પ્લસ વેરીએન્ટ પણ ભારે કેર વર્તાવી રહ્યો છે. કોરોનાને કારણે દુનિયાની ચિંતા હજી હળવી થઈ નથી ત્યાં ચીનમાં મંકી બી વાઇરસની એન્ટ્રી થઈ ગઈ છે. સંશોધકોએ કરેલા દાવા પ્રમાણે આ નવો વાઇરસ ખૂબ જ ઘાતક છે. તેનાથી સંક્રમિત થયા બાદ મૃત્યુદરની ટકાવારી 70થી 80 ટકા છે. ચીનના બેઈજિંગ સ્થિત એક પશુ ચિકિત્સકમાં મંકી બી વાઇરસની પુષ્ટિ થયા બાદ ચીન સરકાર અને વૈજ્ઞાનિકની ઉંઘ ઉડી ગઈ છે. મંકી બી વાઇરસથી આ પશુ ચિકિસ્તકનું મૃત્યું થઈ ગયું છે. જો કે, એના સંપર્કમાં આવેલા લોકો આ વાઇરસથી સુરક્ષિત છે.
ચીનમાં મનકી બી વાઇરસથી કોઈ વ્યક્તિ સંક્રમિત થઈ હોય તેવો આ પહેલો કેસ નોંધાયો છે. બીજી તરફ મીડિયાના અહેવાલો મુજબ બેઈજિંગમાં 53 વર્ષીય એક પુરૂષ પશુ ચિકિત્સકે આ જ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં બે મૃત વાંદરાઓની સર્જરી કરી હતી. આ પશુ ચિકિત્સક નોન હ્યુમન પ્રાઈમેટ્સ પર સંશોધન કરતી સંસ્થામાં કામ કરતા હતા. વાંદરાઓની સર્જરી કર્યાના એક મહિના બાદ પશુ ચિકિત્સકના શરીરમાં ફેરફાર જોવા મળ્યાં હતા. આ પશુચિકિત્સકને ગભરામણ થવા સાથે તેને ઉલ્ટીની સમસ્યા સર્જાઈ હતી. ચીન CDC વીકલી ઈંગ્લીશ પ્લેટફોર્મ ઓફ ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને શનિવારે આ વાતનો ખુલાસો કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરાયો હતો કે, ચીનમાં આ પહેલાં મંકી બી વાઇરસ સંક્રમણનો કેસ ન હતો. ચીનમાં સામે આવેલો મંકી બી વાઇરસનો આ પહેલો માનવ સંક્રમણનો કેસ છે. મન કી બી વાયરસથી સંક્રમિત થયા બાદ પશુ ચિકિત્સકે સારવાર માટે રઝળવું પડ્યું હતુ. જો કે, યોગ્ય સારવાર નહીં મળતાં અંતે 27 મેનાં રોજ તેનું મોત નિપજ્યું હતુ.