વલસાડ શહેરના જીવાદોરી સમાન એકમાત્ર રેલવે ઉડાણપુલનુ વિસ્તરણ કાર્ય આજની અદભુત તકનીકી કમાલથી માત્ર ૨૦ દિવસમાં થયું. પરંતુ એ દરમિયાન માર્ગ મકાન વિભાગે જર્જરિત થયેલા પથભાજકનું યોગ્ય સમારકામ નહીં કરીને અકસ્માત નોતરે તેવું કર્યું છે. વિગત મુજબ તસવીરમાં દેખાય છે તેમ ઘણી વખત વાહનચાલક નીચા તૂટી ગયેલા ડિવાઈડર પર ચઢી જાય છે અને અકસ્માત નોતરે છે. આ જ પ્રમાણે વાંસદાથી ખડકાળા આવતા ત્રિભેટે પણ મોટા વાહનો ડિવાઈડર પર ચઢી જાય છે, કેમ કે પથભાજક શરૂ થાય છે તેની ખબર જ પડતી નથી- ખાસ કરીને અંધારામાં. માર્ગ-મકાન વિભાગ ડિવાઈડર શરૂ થાય ત્યાં -ડાબી બાજુ હાંકો-નું નિશાન બતાવતુ રિફલેક્ટરયુક્ત પાટીયું મૂકે તે જરૂરી છે, જેથી વાહનચાલક ડિવાઈડર પર ચઢી ના જાય, ડાબી બાજુ જ હાંકે.
કોરોના કાળમાં ટ્રેન અને એસટી બસ-જાહેર પરિવહન સેવા નહિવત દોડાવવાથી દરેક ઘરે વ્યક્તિદીઠ વાહનો અને કુટુંબ દીઠ કારની પધરામણી થઈ છે, પેટ્રોલ ડીઝલનો ભાવ સદી વટાવે છતાં તેનો વિરોધ કરનારા કેટલા છે? સરકાર તો દર પાંચ-૧૦ કિલોમીટરે પેટ્રોલ પંપોની લ્હાણી કરી રહી છે. સરકાર પ્રતિબંધ જાહેર કરે છે છતાં પ્રવાસન સ્થળે લોકોની ભીડ ઉમટી પડે છે જેનો લાભ સરકારી તંત્ર લઈ રહ્યુ છે. બેફામ વાહનવૃદ્ધિથી અકસ્માતોની સંભાવના અનેક ગણી વધી ગઈ છે જેથી માર્ગ સલામતી માટેના ચિન્હો મોટા વળાંકમાં ડિવાઈડર્સ રિફલેકટર્સ હવે બધે અત્યંત જરૂરી છે.