મુંબઈના કલ્યાણમાં રેલવે ટ્રેક પસાર કરતા વૃદ્ધ અચાનક ગબડી પડ્યા બાદ ટ્રેનની અડફટે આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે, એક લોકો-પાયલોટની સતર્કતાને કારણે આ 70 વર્ષીય વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વૃદ્ધને એન્જિનની સામેથી બહાર કાઢી રહેલા રેલવે- કર્મચારીઓ નજરે પડે છે. ઘટનાની જાણ થતાં રેલવના અધિકારીએ બંને લોકો-પાયલોટ્સને ઈનામ આપ્યું છે. મળતી વિગતો મુજબ થાણે જિલ્લાના કલ્યાણ રેલવે સ્ટેશને રવિવારે બપોરે 12.45 વાગ્યે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે એક 70 વર્ષીય વૃદ્ધ રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા. આ દરમિયાન તેમને અચાનક ચક્કર આવતાં તેઓ રેલવે ટ્રેક ઉપર જ પડી ગયા હતા. દરમિયાનમાં સામેથી મુંબઈ-વારાણસી ટ્રેન ધસી આવી હતી. જેને કારણે તે વૃદ્ધ એન્જિનના આગળના ભાગમાં ફસાઈ ગયા હતા. દરમિયાન આ વૃદ્ધને એન્જિનમાં ફસાતા સ્ટેશન પરના હાજર અનેક લોકોએ જોયા હતા. તેથી તેઓએ બૂમાબૂમ કરી મુકી હતી.
સ્ટેશન પર હાજર લોકોની બૂમાબૂમ સાંભળી ટ્રેનના ચાલક એસ.કે. પ્રધાને પણ ટ્રેક પર વધુ ગંભીરતાથી નજર નાંખતા તેને વૃદ્ધ દેખાયા હતા. સદનસીબે આ સમયે ટ્રેનની ગતિ નિયંત્રણ હેઠળ હોવાથી ચાલકે બ્રેક મારી દીધી હતી. ત્યારબાદ બાદ વૃદ્ધને એન્જિનના આગળના ભાગમાંથી રેલવે કર્મચારી તથા અન્ય એક સજ્જને બહાર કાઢ્યા હતા. એન્જિનના આગળના ભાગમાં ફસાયેલા વૃદ્ધને નજીવી ઇજા થઈ હતી. વૃદ્ધાની ઓળખ હરિ શંકર તરીકે થઈ હતી. ઘટના અંગે એસ.કે.પ્રધાને જણાવ્યું કે ટ્રેન કલ્યાણ સ્ટેશનથી નીકળી જતાં જ CPWI સંતોષ કુમારે વાયરલેસ પર જણાવ્યું હતું કે એક વૃદ્ધ વ્યક્તિ પાટા પર પડી ગઈ છે. અમારી નજર જાય ત્યાં સુધીમાં તો ટ્રેન તેની નજીક પહોંચી ગઈ હતી. તેથી મેં અને સહાયક લોકો-પાયલોટ રવિશંકરે કાળજીપૂર્વક ઇમર્જન્સી બ્રેક મારી હતી અને ટ્રેનને યોગ્ય સમયે અટકાવી દીધી હતી. જો થોડીક સેકન્ડનો વિલંબ થયો હોત તો વૃદ્ધે જીવ ગુમાવી દીધો હોત. આ ઘટના બાદ તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જો ટ્રેનનું પૈડું થોડું આગળ વધી ગયું હોત તો વૃદ્ધને બચાવવા મુશ્કેલ હતા. રેલવેના અધિકારીઓને ઘટનાની જાણ થતાં તેઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલે બે લોકો-પાયલોટ્સ અને CPWIને રૂપિયા બે-બે હજારનું ઇનામ જાહેર કર્યું છે. આ ઘટનામાં રેલવે કર્મચારીની સતર્કતાને કારણે દુર્ઘટના ટાળી શકાય છે.