લગ્ન જીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની-નાની વાતને લઇને તકરાર થતી હોવાના કિસ્સા સામાન્ય છે. પરંતુ કેટલાક કિસ્સામાં વાત વણસી જતી હોય છે. સૌરાષ્ટ્રના વીરપુરમાં બનેલા એક કિસ્સામાં કંઈક આવી જ પ્રતીતી થઈ રહી છે. દારૂના નશામાં પત્નીએ પતિની એક એવી વાત કહી દીધી કે, પતિએ રોષે ભરાઈને તેને પતાવી દીધી હતી. ઘટનાને પગલે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યો હતો. ઘટના અંગે મળતી વિગતો એવી છે કે, રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા મેવાસા ગામમાં ભીખુ ત્રીપાસીયા નામનો વ્યક્તિ પરિવાર સાથે જીવન ગુજરાન કરે છે. ભીખુ ત્રીપાસીયાનુ એક ખેતર આવેલું છે જેમાં તેઓ ખેતીકામ પણ કરતા હતા. દરમિયાનમાં ખેતરે રખેવાળી માટે તેમણે મધ્ય પ્રદેશના મજૂર રામસિંહ અને તેની પત્નીને રાખ્યા હતા. આ મજૂર પતિ-પત્ની ભીખુ ત્રીપાસીયાની વાડીમાં જ રહેતા હતા. બે દિવસ પહેલા ભીખુ ત્રીપાસીયા ખેતરે ગયા ત્યારે રામસિંહ ખેતરમાં ઉભો હતો અને તેની પત્ની ધાણામાં પડી હતી.
તેથી ખેતર માલિકે રામસિંહને પત્નીને શું થયું તે બાબતે પૂછ્યું તો રામસિંહે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આખરે ખેતર માલિક ભીખુ ત્રીપાસીયાએ વીરપુર પોલીસને જાણ કરતા પોલીસ ખેતરે આવી હતી. જે બાદ પોલીસ તપાસ થઈ તો આરોપીએ કબૂલ્યું કે, પત્ની દારુના નશામાં હતી તે સમયે રામસિંહે પત્નીને જમવાનું બનાવવાનું કહ્યું હતું. પરંતુ પત્નીએ જમવાનું બનાવવા ઈન્કાર કર્યો હતો. સાથે જ ભૂખ લાગી હોય તો પતિને જાતે જ રસોઈ બનાવવા કહ્યુ હતુ. તેથી રામસિંહ રોષે ભરાયો હતો અને તે પત્ની સાથે મારામારી કરવા લાગ્યો હતો. ત્યારબાદ એક લાકડી લઇને તેણે પત્નીને માથાના ભાગે ફટકા માર્યા હતા. તેથી તેનું મોત થયુ હતુ. આરોપીની આ કબૂલાત બાદ પોલીસે રામસિંહની ધરપડક કરી હતી.