CBSEની પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ નિરીક્ષક જ મુકે તેવો નિયમ અમલમાં છે. તેમ છતાં જો શાળા જાતે કોઈપણ વિદ્યાર્થીના માર્ક મૂકી દેશે તો પરીક્ષા રદ કરવા સુધીની ચીમકી સીબીએસઈ દ્વારા અપાઈ છે. CBSE બોર્ડ દ્વારા શાળાઓને પ્રેક્ટિકલ પરીક્ષાઓ માટે પ્રયોગશાળા તૈયાર કરવાને લઈને વિસ્તૃત નિર્દેશો બહાર પાડયા છે. જેમાં પ્રત્યેક બેચની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાયા બાદ શાળા દ્વારા પ્રયોગશાળાને સેનિટાઈઝ કરવા સુચના અપાઈ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ્ સેકન્ડરી એજ્યુકેશનને છેલ્લાં એક મહિનાથી ફરિયાદો મળી રહી હતી. જેમાં સ્કૂલોમાં શિક્ષકો દ્વારા માનીતા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં વધુ માર્કસ આપવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સંદર્ભે CBSE દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈ કેટલાક નિર્દેશો જાહેર કરી દેવાયા છે. આ સૂચનો મુજબ વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાના માર્કસ અને પ્રેક્ટિકલના માર્કસમાં જો મોટી વિસંગતતા જણાશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે. શાળાને મોકલાયેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, બોર્ડ દ્વારા મુકવામાં આવનાર નિરીક્ષકને બદલે અન્ય શિક્ષકો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની કવાયત જો કોઈ શાળા કરશે તો તેની ગંભીર નોંધ લેવાશે. શાળા સંચાલકો બોર્ડની ધરાર અવગણના કરતા રહેશે તો જે તે શાળામાં યોજાયેલી કે યોજાનાર પરીક્ષા રદ કરવા સુધીના પગલા સીબીએસઈ લઈ શકે છે. પ્રેક્ટિકલ પરીક્ષાનું એસેસમેન્ટ પુર્ણ થાય તે પછી તરત જ ગુણ મુકવાના રહેશે.
આ વખતે પણ પ્રેક્ટિકલ પરીક્ષામાં બહારના પરીક્ષકોની નિમણુંક કરાશે. જો, કોઈ સ્કૂલ દ્વારા બહારથી મુકવામાં આવેલા નિરીક્ષકના બદલે અન્ય શિક્ષકો દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે તો તેને બોર્ડ માન્ય ગણશે નહીં. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓએ થિયરી પરીક્ષામાં મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાશે. જેને આધારે પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણનુ મુલ્યાંકન કરાશે.