ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આખા વર્ષ દરમિયાન ભક્તોની મોટાપાયે અવરજવર થતી રહે છે. ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણના મંદિર સાથે ગુજરાત જ નહીં પરંતુ ભારતના લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. અહીં વર્ષ દરમિયાન સારી તિથિઓ અને દિવસોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. ડાકોરમાં ફાગણી પુનમનું ખાસ મહત્વ છે. આ દિવસે હજારો ભક્તો રણછોડજી મંદિરે આવે છે. જો કે, આ વર્ષે જેની આશંકા હતી તે જ થવાના સંજોગો ઉભા થયા છે. ડાકોરનો ફાગણી પૂનમનો મેળો આગામી 28 માર્ચના રોજ ભરાવવાનો હતો. જો કે, હવે આ દિવસોમાં એટલે કે, 27, 28, 29 એમ ત્રણ દિવસ ડાકોર મંદિર ભક્તોના દર્શન માટે પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યમાં હાલમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી રહ્યો છે. જેના કારણે ડાકોરના ફાગણી પૂનમે પ્રતિવર્ષ યોજાતા મેળાને લઈને વિઘ્ન આવી ગયું છે. મળતી વિગતો મુજબ ડાકોરમાં ફાગણી પુનમનો મેળો આ વર્ષે રદ કરવાનો નિર્ણય થઈ ગયો છે. અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાંથી આવતા પદયાત્રિકોને ડાકોર નહીં આવવા માટે જિલ્લા કલેકટરે નિર્દેશ પણ આપી દીધા છે. રાજ્યમાં કોરોના સંક્રમણને પગલે ખેડા જિલ્લા કલેકટરે અગમચેતીના પગલા ભરવાનું શરૃ કરી દીધું છે. તેના જ ભાગરૃપે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળાના આયોજન માટે કલેકટર સમક્ષ રજૂઆત થઈ હતી. જો કે, જિલ્લા કલેકટરે કોરોનાની વર્તમાન સ્થિતિનો હવાલો આપીને મેળાને રદ કરવા આદેશ કરી દીધો છે. ફાગણી મેળાની સાથે 27, 28, 29 માર્ચ એમ ત્રણ દિવસ પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
કલેક્ટરે પદયાત્રિકોને ડાકોર નહીં આવવા પણ અપીલ કરી છે.