ભારતમાં મોદી સરકાર માટે નવા 3 કૃષિ કાયદા માથાનો દુખાવો બની ગયા છે. 26 દિવસથી દિલ્હી બોર્ડર પર અડીંગો જમાવીને બેઠેલા ખેડૂતોએ આંદોલન ચાલુ જ રાખતા હવે વેપાર ધંધા, વાહનવ્યવહારને માઠી અસર પહોંચી રહી છે. દરમિયાન સોમવારે ખેડૂતોએ એક દિવસીય ભૂખ હડતાળનું એલાન કર્યું હતુ. આ સાથે જ 25મીથી 27મી સુધી ટોલ ટેક્સ વસૂલવા નહીં દે તેવી જાહેરાત પણ કરી હતી. ખેડૂતોએ પીએમ મોદીની મન કી બાત દરમિયાન જ થાળીઓ વગાડવાની જાહેરાત કરતા સરકાર અને ભાજપ મુંઝવણમાં મુકાઈ ગઈ છે.
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો આક્રમકતા સાથે આંદોલન ચલાવી રહ્યા છે. જેના પડઘા પણ દેશ વિદેશ સુધી પડી રહ્યા છે. વિરોધ કરી રહેલા ખેડુતો પીછેહઠ કરવા તૈયાર નથી. તો સરકાર હજી આ બિલમાં સંશોધનની વાતથી આગળ વધી નથી. ખેડૂત સંગઠનો સરકાર કૃષિ કાયદા નહીં પાછા ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત કરી ચુક્યા છે. આ ઉપરાંત ખેડૂતોએ રવિવારે મોડી સાંજે સોમવારના એક દિવસીય ભૂખ હડતાલની જાહેરાત કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ આંદોલનના ભાગરૃપે 25થી 27 ડિસેમ્બર દરમિયાન હરિયાણાના હાઇવે પર ટોલ ટેક્સ પણ વસુલવામાં દેવાશે નહીં. 23મી ડિસેમ્બરે ખેડૂત દિવસ છે. આ દિવસે ખેડૂત સંઘના નેતા રાકેશ ટીકૈતે લોકોને એક દિવસના ઉપવાસ રાખવા અપીલ કરી છે. બીજી તરફ સ્વરાજ ઈન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, “સોમવારે તમામ પ્રદર્શન સ્થળોએ ખેડુતો એક દિવસની ભૂખ હડતાલ પર ઉતરશે. અહીંના વિરોધ પ્રદર્શન સ્થળોએ 11 સભ્યોની ટીમ દ્વારા તેની શરૂઆત કરાશે. તેમણે દેશભરમાં કૃષિ કાયદાઓનો વિરોધ કરતા લોકોને વિરોધ સ્થળોએ એક દિવસની ભૂખ હડતાલ કરવા અનુરોધ કર્યો હતો. ખેડૂત નેતા જગજીતસિંહ ડાલેવાલાએ જણાવ્યું હતું કે 25થી 27 ડિસેમ્બર દરમિયાન હરિયાણાના તમામ હાઇવે પર ખેડુતો ટોલ વસૂલવા દેશે નહીં. આ ઉપરાંત 27 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીની મન કી બાત દરમિયાન તમામ ખેડૂત સમર્થકોને થાળી વગાડી આંદોલનને સમર્થન કરશે. અલબત દિલ્હીમાં ચાલી રહેલા આ ઉગ્ર ખેડૂત આંદોલન વચ્ચે કેટલાક ખેડુતોએ આ કાયદાને સમર્થન આપ્યું હતુ. રવિવારે પશ્ચિમ યુપીના ખેડૂતો કૃષિ ભવન ખાતે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળ્યા અને નવા કાયદાઓને ટેકો આપ્યો હતો.