ગત બુધ અને ગુરુવારે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ અમેરિકાની સંસદમાં મચાવેલા ઉત્પાતને પગલે સમગ્ર દુનિયામાં યુએસની છબી ખરડાઈ ગઈ છે. જો કે, ટ્રમ્પ સમર્થકોના તોફાન છતાં અમેરિકી સંસદે જો બિડેનના વિજય પર મંજૂરીની મહોર મારી દેતા ટ્રમ્પે 20મી જાન્યુઆરી આસપાસ સત્તા હસ્તાતરણ કરવા સંમતિ આપી હતી. આમ છતાં હવે અમેરિકામાં વહિવટી તંત્ર અને પ્રજામાં સતત અજંપો છે. કારણ કે તમામને ટ્રમ્પ સમર્થકો ફરી તોફાન મચાવે તેવી આશંકા છે. મીડિયાના અહેવાલો પ્રમાણે દેશના તમામ 50 રાજ્યોમાં 16થી 24 જાન્યુઆરી વચ્ચે સશસ્ત્ર હૂમલો થઇ શકે તેવી શકયતા FBIએ દર્શાવીને ચેતવણી આપી છે.
અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદ માટે જો બિડેન વિજેતા થયા ત્યારથી ટ્રમ્પ અને તેની પાર્ટી ચૂંટણીમાં ગેરરીતિ થયાના આરોપો મુકતી રહી હતી. આ મામલે કોર્ટ સુધી કાર્યવાહી થઈ છતાં કોઈ પરિણામ મળ્યું ન હતુ. જયારે અઠવાડિયા પહેલા અમેરિકી સંસદમાં જો બિડેનને વિજતા થવા પર મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવાની તૈયારી થઈ ત્યારે ટ્રમ્પ સમર્થકોએ પહેલાં સંસદ પરિસર અને તે પછી સંસદમાં ભારે તોફાન મચાવી દીધું હતુ. આ ઘટના બાદ ટ્રમ્પની માત્ર અમેરિકા જ નહીં પણ આખા વિશ્વમાં ટીકા થઇ રહી છે. વાત એટલે સુધી પહોંચી છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પદભ્રષ્ટ કરવા પણ કેટલાક સાંસદે ખુલ્લેઆમ તરફેણ કરવા માંડ્યા છે. બીજી તરફ હવે પછી કોઈ તોફાનો નહીં થાય તે માટે તંત્ર પુરતી સતર્કતા રાખવા માંડ્યું છે.
FBIએ મંગળવારે જ એવી આશંકા વ્યક્ત કરી હતી કે, હજી પણ દેશમાં તોફાનો થઈ શકે છે. આખા દેશની અંદર હિંસાત્મક ઘટનાને અંજામ આપવા આયોજન થઈ રહ્યા છે. ટ્રમ્પના સમર્થકો અમેરિકાના તમામ 50 રાજ્યોમાં સશસ્ત્ર હૂમલો કરવાની યોજના ઘડી રહ્યા છે. FBIએ વધુમાં કહ્યું હતુ કે, 50 રાજ્યોની રાજધાની અને વોશિંગટન ડીસીમાં કોઈ પણ સમયે તોફાન થઈ શકે છે. 20 જાન્યુઆરીએ નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડનના શપથ ગ્રહણ સમારોહ યોજાય તે સમયે ટ્રમ્પ સમર્થકો હિંસા આચરી શકે છે. ટ્રમ્પ સમર્થકો અને કટ્ટર ડાબેરીઓ અનેક તારીખે વિરોધ પ્રદર્શનો કરવાની વાત એનલાઇન પોસ્ટમાં કરી રહ્યા છે. અમેરિકામાં 17 જાન્યુઆરીએ સશસ્ત્ર પ્રદર્શન અને રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ દરમિયાન વોશિંગટનમાં રેલી કાઢવાનું આયોજન પણ આવા લોકોએ કર્યું છે.