અમદાવાદના નારોલમાં ગર્ભવતી મહિલાને નણંદના પ્રેમીએ લાતો મારતા ગર્ભ નાશ પામ્યો હોવાની ઘટના ઘટી છે. આ મામલે નારોલ પોલીસે બન્ને શખ્સ સામે ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, નારોલ પાસે આવેલા રાણીપુર ગામમાં રહેતી 26 વર્ષીય મહિલા તેના પતિ, બાળકો અને નણંદ સાથે રહે છે. મહિલાનો પતિ એક કંપનીમાં નોકરી કરે છે. આ પરિવાર અગાઉ નારોલનાં સૈજપુર ગોપાલપૂરમાં આવેલી એક ચાલીમાં રહેતો હતો.
જયાં તે મહિલાને ચાર માસથી ગર્ભ રહ્યો હતો. બીજી તરફ તેમના રુમ નજીક રહેતા પંકજ ઉર્ફે ગોલુ પાંડે નામના યુવક સાથે મહિલાની નણંદને આંખો મંળી ગઈ હતી. ત્યારબાદ નણંદ અને પંકજ વચ્ચેનો પ્રણય સંબંધ વધુને વધુ ગાઢ થતો ગયો હતો. ઘટનાની જાણ મહિલાને થતા બે દિવસથી તેઓ નારોલના વૈશાલીનગર ખાતે રહેવા આવ્યા હતા. દરમિયાન ગત ૧૮મીએ મહિલા અને તેની નણંદ ઘરે હાજર હતા તે સમયે પંકજ ઉર્ફે ગોલુ તથા તેની માસીનો દીકરો શનિ દિનેશભાઈ પાંડે તેમજ તેના સગાં સંબંધીઓએ મહિલાના ઘરે ધસી આવી તોફાન મચાવાનું શરૃ કરી દીધું હતુ. ઉશ્કેરાયેલા પંકજે મહિલાને કહ્યું હતુ કે તમે બધા જ જાણો છો કે હું તમારી નણંદ સાથે લગ્ન કરવાનો છે.
આમ છતાં તમે ત્યાંથી ઘર છોડીને અહીં આવી ગયા છો. જો કે, મહિલાએ પંકજને સ્પષ્ટ રીતે કહ્યું હતુ કે, મારી નણંદના લગ્ન અમો તારી સાથે કરવા માંગતા નથી. જે બાદ પંકજ વધુ ઉશ્કેરાયો હતો અને તેની પ્રેમીકા સાથે પણ તકરાર કરી હતી. વાતાવરણ ઉગ્ર બની જતાં મહિલાએ ઝઘડો નહીં કરવા ટકોર કરતા પંકજે મહિલા સાથે જ મારપીટ શરૃ કરી દીધી હતી. પંકજ સાથે આવેલા શનિ પાંડે નામના યુવકે અચાનક ઉશ્કેરાઈ ગર્ભવતી મહિલાને ધક્કો મારી નીચે પટકી હતી. જયારે પંકજ ઉર્ફે ગોલુ પાંડેએ મહિલાને પેટના ભાગે જોરથી લાત મારી દેતાં તેના ઉદરમાં ઉછરી રહેલા ચાર માસના ગર્ભને અસર થઈ હતી. આ ઘટના બાદ મહિલાને પેટમાં સતત દુખાવો થતા એલ.જી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જયાં સારવાર દરમિયાન તબીબો દ્વારા સોનોગ્રાફી કરીને મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થયાનું નિદાન કર્યું હતુ. આખરે પંકજ ઉર્ફે ગોલુ ઘનશ્યામ પાંડે અને શનિ દિનેશભાઈ પાંડે સામે નારોલ પોલીસ સ્ટેશનમાં તે મહિલાએ આપવીતી જણાવીને ફરિયાદ નોંધાવી દીધી હતી.