કોરોનાકાળ દરમિયાન અમદાવાદમાં દર્દીઓને સુવિધા આપવામાં અગ્રેસર રહેલી સોલા સિવિલ હોસ્પિટલની શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે મુલાકાત લીધી હતી. નીતીન પટેલે હોસ્પિટલમાં કામગીરીનો તાગ મેળવ્યા બાદ તેની કામગીરીને ઉત્તમ ગણાવતા કહ્યું હતુ કે, રાજ્યની કોઇ પણ સરકારી હોસ્પિટલને આરોગ્ય સેવાઓને લગતી જરૂરિયાત માટે સરકારે તમામ પ્રયાસો કર્યા છે.
સરકારી હોસ્પિટલમાં વેન્ટીલર, ઓક્સિજન ટેક સહિતના કોઇપણ પ્રકારની ઉપકરણની જરૂરિયાત પુરી કરીને દર્દીઓને સારવાર અપાઈ છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતુ કે, સોલા સિવિલ હોસ્પિટલમા કોરોનાકાળમાં આજ દિન સુધી 14,223 દર્દીઓ સારવાર અર્થે દાખલ થયા છે. જે પૈકી 13 હજારથી પણ વધુ દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યા છે. ટેસ્ટ કરાયેલા પૈકી 6640 પોઝીટીવ આવેલા દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓએ સોલા સિવિલમાં સારવાર મેળવી હતી. ભારત બાયો ટેક કંપની દ્વારા બનેલી કોરોના વેક્સીનની ટ્રાયલ વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે અમદાવાદ સોલા સિવિલને ભારત બાયો ટેક કંપનીમાં બનેલી કોરોના વેક્સીનની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે. પ્રથમ ટ્રાયલ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં 500 વેક્સીનના ડોઝ મોકલાયા હતા.
જે બાદ સ્વંયભુ વેક્સીન ટ્રાયલ લેવા ઇચ્છતા સંપૂર્પણે સ્વસ્થ વ્યક્તિઓ, યુવાનોની આ વેક્સીન ટ્રાયલ માટે પ્રાથમિક પ્રસંદગી કરાઈ હતી. જેમાંથી 450 જેટલા વ્યક્તિઓને વેક્સીન ટ્રાયલનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. આ લાભાર્થી પૈકી એક પણ વ્યક્તિને આડઅસર થઈ નથી. સોલા સિવિલ હોસ્પિટલમાં આ તમામ સુવિધા છે. જેને કારણે અને સ્ટાફનું સુચારું સંચાલન તથા આરોગ્ય વિભાગના સંકલનથી મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સાજા કરી શકાયા છે.