નવસારી જિલ્લાની ગણદેવી પીપલ્સ કો-ઓપરેટીવ બેન્કની 70 મી વાર્ષિક સાધારણ સભા આજે એટલે કે શનિવાર સવારે કોળી પટેલ સમાજ વાડી માં યોજાશે. જેમાં એજન્ડા ઉપરના 7 કામો અને તે ઉપરાંત 2017 થી ખાલી પડેલી બે ડિરેક્ટર્સની જગ્યા ઉપર નવી નિયુક્તિની માંગ સાથે સભા તોફાની બનવાનાં સંભાવના જોવામાં આવી રહી છે. ગણદેવી પીપલ્સ બેંકના પ્રમુખ ગોપાળભાઈ ગોહિલ, ઉપ-પ્રમુખ ચિંતન શાહ અને સેક્રેટરી શૈલેષ શાહની અધ્યક્ષતા હેઠળ શનિવાર સવારે 70’મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાધારણ સભામાં એજન્ડા ઉપર નાં કામોની તો ચર્ચા થશે જ પરંતુ બેન્કના ડિરેકટર સ્વ.નિલેશકુમાર વૈદ્ય, સ્વ. ગુલાબભાઈ પટેલની બેઠકો જુલાઈ ૨૦૨૦ થી ખાલી પડી હતી. જે બાદ નવી નિમણુંક કરવામાં આવી નથી જેને લીધે સભાસદોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગણદેવી સોશ્યલ ગૃપના સભ્ય ધર્મેશ પટેલ, સહિત સભાસદો ગણદેવી વિભાગમાં ખાલી પડેલી આ બે બેઠકો ઉપર નવા ડિરેક્ટરો નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરશે. બેંકની બીજી ચૂંટણી આડે દોઢેક વર્ષનો સમય હજી બાકી છે ત્યારે આ બે જગ્યાઓ ભરવાની ખાસ જરૂર છે. બેંક એ સરકારી નિયમોને અનુસરીને બે પ્રોફેશનલ ડિરેકર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ત્રણ સભ્યોની નિયુક્તિ કરી હતી. હાલ બેંક નાં ચૂંટાયેલા ૧૭ પૈકી ૨ ડિરેક્ટર્સની ખાલી જગ્યા ભર્યા વિના બેંકનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે.
આ બે જગ્યાઓ ભરવા માટે ૨૨ થી વધુ રાજકીય, બિન રાજકીય તેમજ બેંકની ગત ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ દાવ ઠોકયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મુંજવણમાં મુકાયા હતા. તે સમયે ૬૦ દિવસમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાઈ ન હોવાનો અવાજ હવે ઉઠી રહ્યો છે. આજે મળનારી આ સામાન્ય સભામાં આ બે જગ્યાઓ ભરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરફથી આશ્વાસન મળે તેવી સંભાવના છે.