સુરત જિલ્લામાં કીમ માંડવી વચ્ચે કીમ ગામમાં ઓવરબ્રિજના કામને લઈને આગામી 31મી મે સુધી કીમની રેલવે ફાટકને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેથી આ ક્રોસીંગ પરથી હવે વાહનોની અવરજવર 10 દિવસ સુધી અટકી જશે. સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.ડી.વસાવાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં આ વિશે ઉલ્લેખ કરાયો છે. જાહેરનામા મુજબ સુરત જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર હસ્તકના સાહોલ-કીમ-માંડવી રોડ પર કીમ ગામમાં રેલવે ફાટક આવેલી છે. આ ક્રોસીંગ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. પરંતુ સાયણથી કીમ સ્ટેશન વચ્ચે આવેલી આ એલ.સી. નં.158 ઉપર આર.ઓ.બી.નું કામ શરૃ થનાર છે.
જેથી આ રસ્તા પરથી બન્ને તરફના વાહનોને તા.31/5/2021 સુધી પસાર થવા કરવા પર પ્રતિબંધ રહેશે. વાહનચાલકોને આ ક્રોસીંગના વિકલ્પ તરીકે ને.હા.નં.48 થી આંબોલી થઈને કઠોર-વેલંજા-સાયણ-સાંધિયેર-ઓલપાડ-માસમા-સરોલી- સુરતનો રૂટ અપાયો છે. આ ઉપરાંત જો કોઈ વાહનચાલકોને પહેલો વિકલ્પ પસંદ ન હોય તો તેઓ બીજા વિકલ્પનો ઉપયોગ કરી શકશે. જેમાં અન્ય વિકલ્પ તરીકે અંકલેશ્વર તથા આજુબાજુથી આવતા વાહનો ને.હા.નં.48થી કોસંબા ચોકડીથી કોસંબા-ખરચ-પાંજરોલી-ઓભા-સાહોલ-કદરામા-ઓલપાડ-માસમા-સરોલી થઈને સુરતમાં પ્રવેશ કરી શકશે. આ જાહેનામાની નોંધ લેવા જિલ્લા મેજિસ્ટ્રેટ વસાવાએ વાહનચાલકોને અપીલ કરી છે. અધિકારીના આ નિર્ણયથી આગામી 10 દિવસ સુધી વાહનચાલકોને મુશ્કેલીમાં મુકાવવું પડશે.