ભારતમા કોરોના વાયરસને કારણે મુકાયેલા લોકડાઉન અને પ્રતિબંધોને કારણે અર્થતંત્રને માઠી અસર થઈ છે. વેપાર ધંધા ઉપરાંત લાખો લોકોની નોકરી અને આવક છીન્નભિન્ન થઈ ગઈ છે.આવા સમયે મોદી સરકાર દેશના નોકરી કરતા લોકોને ટેક્સમાં છૂટ આપવાની દીશામાં વિચારણા કરી રહી છે.
આગામી બજેટમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ અંગે કોઈ જાહેરાત કરી શકે છે. નાણાં મંત્રાલયના સૂત્રોને ટાંકીને મીડિયાના અહેવાલો કહી રહ્યા છે કે, 2021-22ના બજેટમાં રોજગાર કરનારા લોકોને આવકવેરામાં છૂટ આપવામાં આવશે. સરકાર ફરી દેશના અર્થતંત્રને પાટે ચઢાવવા પ્રયાસ કરી રહી છે. વાસ્તવમાં ભારતમાં લોકોની ખરીદશક્તિમાં ઘટાડો થતાં તેની સીધી અસર વેપાર ધંધા, ઉદ્યોગો અને ચીજવસ્તુઓની માંગ પર પડી છે. કોરોના વાયરસ પછી છૂટક અને જથ્થાબંધ ફુગાવો વધ્યો છે. તેથી સરકારનું માનવું છે કે ઓછા વેતન અને વધતા જતા ખર્ચ વચ્ચે તાલમેલ કરવા માટે નોકરીયાત વર્ગને થોડીક રાહત મળવી જોઈએ.
સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં વધારો કરીને જૉબ કરતા લોકોને રાહત આપી શકાય તેમ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં આ છૂટ ઉપરાંત, મેડિકલ ઇન્શ્યોરન્સ માટેના પ્રીમિયમ પેમેન્ટ પર ટેક્સ રાહત મળી શકે છે. મીડિયાના અહેવાલો મુજબ સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ, મેડિકલ ઇન્સ્યોરન્સ બેનિફિટ અને ઇનકમ ટેક્સ એક્ટની કલમ 80-સી હેઠળ મળનારી છૂટમાં વધારો કરવા વિચારણા કરી રહી છે. આ વર્ષે જૉબ કરનારા લોકોના પગારમાં કાપ મુકાયો હતો. અથવા તો લાખો લોકોએ નોકરી ગુમાવી પડી હતી. આથી આવા અસરગ્રસ્તોને સરકારની આ જાહેરાતથી રાહત થશે.