ગુજરાતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે હાઈકોર્ટની વારંવારની ફટકાર બાદ હવે મોડે મોડે રુપાણી સરકાર ગંભીર બની છે. બે દિવસ પહેલાં સરકારે લગ્ન સમારંભ માટે લોકોની સંખ્યા મર્યાદીત 50 કરી દીધી છે. આ સાથે જ લગ્ન સમારંભ દમિયાન કોરોનાની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન થતું જોવા મળશે તો જે તે વિસ્તારના પોલીસ અમલદારો તથા સરપંચ તલાટી સામે પગલા ભરવાની ચીમકી પણ સરકારી આપી દીધી છે. જેને પગલે પોલીસ બેડામાં કચવાટ પણ ઉભો થયો છે. જો કે, સરકારના આદેશનું પાલન કરતા હવે વિવિધ જિલ્લા અને તાલુકા મથકના પોલીસ અધિકારીઓ પોતાના વિસ્તારમાં લગ્ન સમારંભ પર નજર રાખી રહ્યા છે. પોલીસ તંત્ર વાડી, હોલ તથા મેદાનના માલિકોનો સંપર્ક કરી લગ્નના આયોજનની વિગતો મેળવી રહ્યું છે. કોરોના સંક્રમણને લઈ રાજ્ય પોલીસ વડાએ પણ સખત કાર્યવાહીના સંકેત આપ્યા છે.
તેમણએ કોરોનાના નિયમોનુ કડક પાલન કરાવવા સુચના આપતા જ પોલીસ તંત્ર હવે કડકાઈ સાથે કામ કરી રહ્યું છે. લગ્ન પ્રસંગે ગાઈડલાઈનનુ પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુરુવારે ડીજીપીએ કહ્યું હતુ કે, લગ્ન માટે ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. નિયમ ભંગ કરશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આ સાથે જ તેમણે લગ્ન પ્રસંગે કોરોનાના નિયમોનુ કડક પાલન કરવા પણ સુચના જારી કરી હતી.
લગ્નમા ગાઈડલાઈનનું પાલન ન કરનારા લોકો સામે દંડનીય કાર્યવાહીની ચીમકી તેઓએ આપી છે. તેમના જણાવ્યા મુજબ આવા પ્રસંગોમાં પોલીસ ચેકિંગ કરીને જરૃર પડ્યે ગુનો દાખલ કરી શકશે. હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી 12 હજાર કરતાં પણ વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. હવે આવતી 24થી 17 એપ્રિલ સુધી ગુજરાતમાં લગ્નગાળો છે. આ દિવસોમાં અનેક લગ્ન યોજાવાના છે. સરકારે લગ્નમાં 50 લોકોની છૂટ આપી હતી. તેથી દરેક નાગરિકોએ તેનું પાલન કરવા ડીજીપીએ અનુરોધ કર્યો છે.