યુપીએ સરકાર સામે ઈંધણના ભાવો મુદ્દે છાશવારે મોરચો માંડતા અને આખા દેશને માથે લેતા ભાજપે સત્તા સંભાળ્યાને 8 વર્ષમાં ઈંધણના ભાવે કાબૂમાં લેવા કોઈ નિર્ણય કર્યા નથી. ઉલ્ટુ, દર મહિને આ ઈંધણ પર આડેધડ ટેક્સ ઝીંકાયા કરે છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો ઘટવા છતાં મોદી સરકાર અને રાજ્યોની સરકારે ઈંધણને જ આવકનો મુખ્ય સ્ત્રોત માન્યો હોય તેમ તેના પર જ ટેક્સ નાંખી રહી છે. જેને કારણે ઈંઘણ મુદ્દે મોદી સરકારની બેવડી નીતિ છતી થઈ છે. એક રાષ્ટ્ર અને એક ટેકસની હિમાયત કરતી આ સરકારે માત્ર ઈંધણને જ જીએસટીમાંથી બાકાત રાખીને પ્રજાના ખિસ્સા ખંખરેવાનો ખેલ કરતા આજે દેશમાં પેટ્રોલની કિંમત 84 થી 90 સુધી પહોંચી ગઈ છે. તેલનાં ભાવ દેશમાં નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના ભડકે બળતા ભાવથી પ્રજામાં અસંતોષ છે. પરંતુ બહુમતિના જોરે શાસન કરતી સરકાર સામે સૌ કોઈ લાચાર બની ગયું છે.
પરિણામે દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 86 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. વધતા તેલના ભાવના કારણે ટ્રાન્સપોર્ટ સેક્ટરને વધુ નુકશાન થઈ રહ્યુ છે. દેશના કેટલાક શહેરોમાં તો પેટ્રોલની કિંમત 90 રૃપિયા પ્રતિ લિટરને આંબી ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પેટ્રોલની પડતર કિંમત લગભગ 29 રૂપિયા છે. એટલે કે લોકો પાસેથી પ્રતિ લિટર 53 રૂપિયા ટેક્સ સરકાર ખઁખેરી રહી છે. પેટ્રોલિયમ ઉપર સૌથી વધુ ટેક્સ લગાવવાના મામલે ભારત દુનિયાના ટોપ-5 દેશોમાં છે. લોકડાઉનમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આમ છતાં સરકારે ટેક્સ વધારીને તિજોરી જ ભરે રાખી હતી. સરકારના જ નિયમ મુજબ તો આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં ઘટાડો થાય તો તેની સાથે ટેક્સની રકમ પણ ઘટે. પરંતુ સરકારે ટેકસની ટકાવારી જ વધારે રાખતા જનતાને કોઈ રાહત થઈ ન હતી. સરકારના આ ખેલનો ફાયદો તેલ કંપીનીઓને મળ્યો છે. બીજી તરફ સરકારની તિજોરી પણ પ્રજા પાસેથી ખંખેરાયેલા આ નાણાથી છલકાઈ ઉઠી હતી.
એપ્રિલથી નવેમ્બર 2020 સુધીમા સરકારની એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન વધીને 1,96,342 કરોડ સુધી પહોંચી હતી. 2019મા આ કલેકશન 1,32,899 રુપિયા હતુ. આઠ મહિના દરમિયાન 1 કરોડ ટન ઓછુ ડીઝલનું વેચાણ થયું હતુ. આ દરમિયાન માત્ર 4.49 કરોડ ટન ડીઝલનુ વેચાણ થયું, સરકારે લોકડાઉન દરમિયાન જ પેટ્રોલ ઉપર એક્સાઈઝ ડ્યૂટીમાં 13 રૂપિયા પ્રતિલિટર અને ડીઝલમાં 16 રૂપિયા પ્રતિ લિટર વધારો કરીને આવક મેળવી હતી. અત્યારે પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી અને રાજ્ય સરકાર વેટ લગાવે છે. કેટલીક જગ્યાએ ટ્રાન્સપોર્ટ અને લોકલ બોડી ટેક્સના કારણે તેલની કિંમત વધારે વધી જાય છે.