ગુજરાતમાં કોરોનાના બેફામ સંક્રમણ સાથે સર્જાયેલી ગંભીર સ્થિતિમાં હાઈકોર્ટે છેલ્લાં 15 દિવસમાં ગુજરાત સરકારને વારંવાર ખખડાવી નાંખી છે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સુઓમોટોની અરજી સંદર્ભે બુધવારે સરકારને આદેશ કરતા કહ્યું હતુ કે, દરેક શહેરના લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગની સુવિધા અને આરટીપીસીઆર ટેસ્ટિંગની સુવિધા જલદીથી મળે તેની વ્યવસ્થા જરુરી છે. સાથે જ તેની સાચી વિગતો સરકાર પ્રસાર-પ્રચાર માધ્યમોથી જાહેર કરે તે આવશ્યક છે. આ ઉપરાંત, કોરોના વાઈરસના સંક્રમણને તોડવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલા અપૂરતા જણાય છે. હજુ પણ વધુ કડક પગલા લેવાની આવશ્યકતા છે. જો, સરકાર તેની ઢીલી નીતિ ચાલુ રાખશે તો લોકો એક સ્થળેથી બીજા સ્થળે ફરતા રહેશે.
જેને કારણે કોરોના વાઈરસનું સંક્રમણ અટકશે નહીં. આ સાથે જ હાઈકોર્ટે સરકારને આરટીપીસીઆર મશીનો, રેમડેસિવીર ઇંજેક્શન, ઓક્સિજનની સુવિધા, જીએમડીસી ખાતે રહેલી ધનવંતરી હોસ્પિટલમાં મેડિકલ અને સ્વચ્છતાની સુવિધા, કોરોના હોસ્પિટલ અને પથારીની રિયલ ટાઈમ વિગતો ૧૦ મે સુધીમાં સોગંદનામા સાથે રજૂ કરવા હુકમ કર્યો હતો. આ વખતે ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ જવાબ રજૂ કરવા સુચના આપી છે. હાઈકોર્ટે સરકાર પાસે સ્પષ્ટ શબ્દોમાં વિગતો માંગી છે જેમાં જિલ્લામાં કેટલા આરટીપીસીઆર મશીનો વધાર્યા, ૨૧ યુનિવર્સિટીએ તેની લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ કરવા માટે મંજૂરી આપી કે નહીં, દરેક જિલ્લામાં ઇ્ઁઝ્રઇ ટેસ્ટની સુવિધા અને ઉપલબ્ધતા અંગે સરકાર સાચી વિગતો આપે, રેમડેસિવીર ઇંજેક્શનની ફાળવણી કઈ રીતે કરો છે તથા ઓક્સિજનની માગ અને સપ્લાય કેવી રીતે થાય છે તે રજૂ કરવા જણાવાયું છે. આ સાથે જ મૃત્યુ નોંધણી માટેનો સમય લંબાવવા અને પ્રકિયા ઓનલાઈન કરવા પણ સુચના આપી છે. કોવિડ હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ અનામત રાખવા અંગે સરકારે મૌન રાખ્યુ હતુ. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, કોવિડ હોસ્પિટલમાં ૫૦ ટકા બેડ અનામત કરો. જો કે, સરકારે તેના જવાબમાં આ અંગે કંઈ કહ્યુ નથી.