નિર્ભયાકાંડ અને હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીના એન્કાઉન્ટરની ઘટના પછી પણ દેશમાં રેપના બનાવો ઓછા થઈ રહ્યા નથી. ખાસ કરીને ઉત્તરભારતમાં અને ગુજરાતમાં આ પ્રકારની ઘટનામાં ઉછાળો આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં ચાલુ કારમાં 12 નરાધમોની હેવાનિયતનો ભોગ એક યુવતી બની હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, આ રેપ અંગેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. યૂપીમાં સોશિયલ મીડિયા પર હાલ ગેંગરેપનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી સાથે 12 નરાધમો દ્વારા ચાલુ કારમાં દુષ્કર્મ કરાયું હતુ. જો કે, આ ઘટના 6 મહિના પહેલાની હોવાનું મનાય છે.
હાલમાં આ વીડિયો જયપુર પોલીસ સુધી પહોંચ્યો હતો. જે બાદ પોલીસે વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ કરવા કવાયત આદરી હતી. વિડીયોમાં એક મહિલા તેમજ પુરુષો સાથે અન્ય શખ્સોનો અવાજ આવી રહ્યો હતો. ક્લીપમાં એક વ્યક્તિ મહિલાને માર મારી રહ્યાનું પણ દેખાતું હતુ. પોલીસને આ અવાજ જયપુર ક્ષેત્રના લોકોનો હોવાનું જણાયું હતુ. તેથી પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને ચારેય પોલીસ સ્ટેશનમાં વીડિયો ક્લિપ મોકલાવી હતી. જે બાદ પોલીસ તપાસમાં રેપનો ભોગ બનેલી તે મહિલા યૂપી નિવાસી હોવાનું બહાર આવ્યું હતુ. આખરે પોલીસે પીડિતાને જયપુર બોલાવીને માનસરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. પીડિતાએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતુ કે, 19 ઑક્ટોબર 2020ના રોજ તે ન્યૂ સાંગાનેર રોડ સ્થિત સાઈંકૃપા હોટલમાં રોકાઈ હતી.
આ સમયે તેના પરિચિત સંજૂ બંગાળીએ તેને પૈસાની લાલચ આપીને એક છોકરા સાથે મોકલી હતી. જે બાદ યશ હોટલની પાસે માંગ્યાવાસમાં એક કારમાં તેને બેસાડાઈ હતી. જો કે, તે કારમાં તે સમયે 4 લોકો હાજર હતા. ત્યારબાદ તે મહિલાનો મોબાઇલ ફોન તે નરાધમોએ લઈ લીધો હતો. અને કારને મહિન્દ્રા સેજ તરફ લઇ જઈ તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ સમયે કારમાં બેઠેલા અન્ય લોકો વીડિયો ઉતારતા રહ્યા હતા. ત્યારબાદ 2 અન્ય કારમાં કેટલાક યુવકોએ આવીને એક છોકરીને બીજી કારમાં લઇ ગયા હતા. જે છોકરી સાથે પણ યુવકોએ રેપ કર્યો હતો. પીડિતાના જણાવ્યા મુજબ ગેંગરેપની આ ઘટનામાં 12 યુવકો સામેલ છે. તપાસમાં પોલીસને વીડિયા કલીપ સાથે ગેંગરેપની ઘટનાની પુષ્ટી થઈ જતાં તે અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એડિશનલ પોલીસ કમિશ્નર અજય પાલ લાંબાના જણાવ્યા પ્રમાણે 4 ડીસીપી સહિત 10 આઈપીએસ અને 40 સીપીઆઈ તથા 100 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવીને કેસની તપાસ ઝડપથી કરાઈ રહી છે. હાલ આ કેસમાં ભોગ બનેલી મહિલા ઉત્તર પ્રદેશના હરદોઈની રહેવાસી હોવાની પૃષ્ટિ થઈ ગઈ છે. સાથે પોલીસે કાર્યવાહી કરતા લખનૌ, ઇન્દોર તેમજ જયપુરથી અભિષેક, મોન્ટી તેમજ સંજૂ બંગાળીને દબોચી લીધા છે.