સતત પોણા બે વર્ષથી ભારતમાં કેર મચાવતા કોરોના વાયરસની બીજી લહેર હાલમાં અંત તરફ પહોંચી છે. ગુજરાત મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. દરરોજ નોંધાતા નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, દેશમાં હજી પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના છે. આ અંગે તેની અશર તથા વેવના સમયગાળા અંગે મતમતાંરો છે. દરમિયાનમાં કોલાબા ખાતેના તાતા ઈન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચનાં વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે, મુંબઈની ૮૦ ટકા વસ્તી એક યા બીજી રીતે કોરોનાથી સંક્રમિત થઈ ચૂકી છે. તેથી હવે પછીની ત્રીજી લહેરમાં મુંબઈ વિસ્તારમાં ધારણા મુજબની અસર કદાચ નહીં થશે.
બીજી લહેરમાં મુંબઈમાં ૧લી મેનાં રોજ મૃત્યુઆંક પીક પર હતો. TIFRની સ્કુલ ઓફ ટેકનોલોજી એન્ડ કોમ્પ્યૂટર સાયન્સનાં ડીન ડો. સંદીપ જુનેજાએ જણાવ્યું હતું કે, આ સમયે એક જ દિવસમાં ૯૦ લોકોનાં મોત થયા હતા. હવે પછીની લહેરની તીવ્રતા ઓછી હશે. જો કે, ત્રીજી લહેરમાં ફરીથી કેટલું ઈન્ફેક્શન થાય છે અને કેટલા લોકો તેનો ભોગ બને છે અને કેટલા બચી જાય છે તેનાં પર બધો આધાર છે.
૨૦ ટકા મુંબઈગરાઓને જો ઝડપથી વેક્સિન આપવામાં આવે તો ત્રીજી લહેરની અસર ઘણી ઓછી થઈ શકે છે. ત્રીજી લહેર સપ્ટેમ્બર કે તે પછી આવી શકે છે. આ સમયે તેની કેટલી ઘાતકા હશે તેનો આધાર વેકસીનની ઝડપ પર પણ છે. દેશમાં કોરોનાની પીછેહઠ થઈ રહી છે. બીજી તરફ દેશમાં હવે દરરોજ નોંધાતા કેસ પણ 40 હજારની નીચે થઈ ગયા છે. ગત રોજ પણ 37 હજાર કેસ નોંધાવા સાથે 900 લોકોના મોત થયા હતા.