ફરી પાછી 26 જાન્યુઆરી આવી. દર વર્ષે આવે છે અને કશું પણ વિચાર્યા વિના એની યંત્રવત્ ઊજવણી કરવામાં આવે છે. સરકાર અને શાળા પૂરતું જ તેનું મહત્વ રહ્યું છે. પોલીસ મેડલ, બાળકો માટે મેડલ, પદ્મ એવોર્ડ જાહેર થાય છે. સવારે પરેડ યોજાય છે તેમાં બાળકો સિવાય કોઈને રસ હોતો નથી. વિદેશથી આવેલા મહેમાન સમક્ષ આપણી સૈન્ય તાકાત દર્શાવવામાં આવે છે. એક પ્રકારે શક્તિ પ્રદર્શન હોય છે.
સવાલ એ છે કે 26 જાન્યુઆરીનું મહત્વ ઘટવાનું કારણ શું ? આ અંગે કોઈ વિચારતું નથી. કેટલાં લોકોને સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિન વચ્ચેના ભેદ અંગે ખબર હશે? રાજકીય નેતાઓ આ માટે જવાબદાર છે. દરેક વાતમાં રાજકારણ લાવી તેઓ જનતાને વિમુખ કરતાં જાય છે. દેશ માટે એક થવાની વાત કરતાં નેતાઓ પોતે જ તેનું ધ્યાન રાખતા નથી. એક જમાનામાં 26 જાન્યુઆરીએ વિવિધ સરકારી કોલોનીમાં વિવિધ પ્રકારની સ્પર્ધા યોજાતી હતી. સવારે ધ્વજ વંદન થતું અને બપોરે આ પ્રકારની સ્પર્ધા યોજાતી. પરિણામે નવી પેઢીમાં એક પ્રકારે એકતાની ભાવના ઊભી થતી. દરેક જ્ઞાની, જાતિના લોકો તેમાં ભાગ લેતા હતાં. ધીરે ધીરે આ બધું બંધ થઈ ગયું. અત્યારે પણ આવું થઈ શકે તેમ છે. હવે દરેક શહેરોમાં મોટા મોટા એપાર્ટમેન્ટ હોય છે. તેમાં સ્હેજે 1000-2000ની વસતી રહેતી હોય છે.
નવી પેઢીના મા બાપને પણ આ બન્ને દિવસનું શું મહત્વ છે તેનો ખ્યાલ નથી હોતો તો નવી પેઢી પાસે આવી અપેક્ષા રાખવી યોગ્ય નથી. તો લેખના પ્રારંભે જે સવાલ પૂછ્યો હતો કે નવી પેઢીના લોકોમાં રાષ્ટ્ર ભાવના જગાડવા શું કરવું ? માત્ર દેશભક્તિના ગીતો વગાડવાથી કે ચેનલો પર એવી ફિલ્મો બતાવવાથી રાષ્ટ્ર ભાવના જાગૃત થતી નથી. જ્યાં સુધી નવી પેઢીને ઈનવોલ્વ ના કરી શકીએ ત્યાં સુધી આ શક્ય નથી. આ માટે ઉપર જણાવ્યું તેમ દરેક શહેરમાં નાના નાના ગામ જેટલી વસતી ધરાવતા એપાર્ટમેન્ટ હોય છે. આ બન્ને દિવસે જે તે હોદ્દેદારો આ માટે ધ્વજ વંદન પછી વિવિધ સ્પર્ધાઓ યોજે , તેમાં આઝાદીની લડતના હીરોને લગતાં નાટક, ક્વીઝ વગેરે રાખે તો નવી પેઢી ધીમે ધીમે બધું શીખશે. જેટલું જોશે એટલું વધુ શિખશે. શાળાઓમાં આ બધું ભણાવવામાં આવે છે પરંતુ શિક્ષકો શીખવા પૂરતું શીખવે છે. આથી નવી પેઢીને પણ રસ હોતો નથી. આ પ્રકારની પ્રવૃત્તિથી બાળક વધુ મોટીવેટ થશે.
આ તો વાત થઈ સમાજની. રાજકારણીઓનું શું ? સૌથી વધુ છાપ તો તેઓ ઊભી કરી શકે છે. આજે યુવાનોના રોલ મોડેલ બદલાયા છે. ફિલ્મી નટ નટીઓ, ક્રિકેટર ઉપરાંત રાજકારણીઓને પણ તેઓ ફોલો કરે છે. રાજકારણીઓએ એવાં ઉદાહરણરૂપ કામકાજ કરવા જોઇએ કે જેથી નવી પેઢી તેમાંથી કંઈ શીખી શકે. માત્ર ભાષણબાજી ના ચાલે. યુવાનો વધુને વધુ રાજકારણમાં ભાગ લેતા થશે તો વધુ શુધ્ધિ આવશે. કદાચ અત્યારે કોઈને આ કલ્પના જેવું લાગે પણ ટેકનોલોજીના જમાનામાં પારદર્શિતા યુવાનો થકી જ આવી શકે તેમ છે. કદાચ અત્યારે આપણને તેની ઝડપ ઓછી લાગતી હોય પણ આગળ જવા ધીમી પણ મક્કમ ગતિ જ જોઈએ. પ્રજાસત્તાક પર્વની ઊજવણીની પૂર્વ સંધ્યાએ યુવાનો સંકલ્પ કરે તો આજે નહીં તો કાલે ખરાં અર્થમાં પ્રજાસત્તાકને ચરિતાર્થ કરી શકીશું…..
-લલિત દેસાઈ