ગુજરાત સરકારે બે મહિના પહેલા લવજેહાદનો કાયદો બનાવ્યા બાદ વડોદરા, વાપી અને અમદાવાદમાં તે અંગે ગુનો દાખલ થયો છે. સરખેજ વિસ્તારમાં રહેતી અને એમ.કોમ થયેલી યુવતીને પરિણીત મુસ્લિમ યુવકે ફોટો અને વિડીયો વાઈરલ કરવાની ધમકી આપ્યા બાદ લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. અમદાવાદના સરખેજ વિસ્તારની યુવતીને તેના ઘર નજીક રહેતો પરિણીત મુસ્લિમ યુવક સાત દીવસ પહેલા લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. યુવતી તેના ઘરેથી બહેનપણીના ઘરે કલાસીસમાં જાઉં છુ કહીને નીકળ્યા બાદ પરત આવી ન હતી. જેથી તેના માતા-પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરિવારજનોની તપાસ દરમિયાન જ પડોશમાં રહેતો પરિણીત મુસ્લિમ યુવક પણ ગાયબ હોવાનું ધ્યાને આવતા આખરે ઘટના અંગે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ તપાસમા યુવતી અને યુવકના ફોન બંધ હોવાનું અને યુવકે નવું સિમકાર્ડ ખરીદી એક્ટિવ કર્યું હોવાનું બહાર આવ્યું હતુ. આ ઉપરાંત મોબાઈલ ફોન ટ્રેસ કરીને પોલીસે બંનેને ઉદેપુરથી શોધી કાઢયા હતા. યુવતીને તેના માતા-પિતા ઘરમાંથી કાઢી મુકતા હોવાનું અને હેરાન કરતા હોવાની ચિઠ્ઠી લખાવી યુવતી પાસે ફરિયાદ કરાવવાની યોજના આરોપીએ બનાવી હતી.
જે બાદ પોલીસ તપાસમાં યુવતીએ જણાવ્યું હતું કે, લગ્નની લાલચે ભગાડી ગયેલો યુવક તેની પત્ની તલાક આપે પછી લગ્ન શક્ય હોવાનું કહી ફરી ગયો હતો. યુવતીને ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી તે યુવકે ભાગવા માટે મજબૂર કરી હતી. સરખેજ પોલીસે આરોપી યુવક વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આરોપીના મોબાઈલ ફોનમાં રહેલા યુવતીના વાંધાજનક ફોટો અને વિડીયો અંગે તપાસ શરૂ કરી છે. લવજેહાદનો કાયદો અમલમાં આવ્યા બાદ અમદાવાદમાં આ પ્રકારનો પહેલો કેસ પોલીસે નોંધ્યો છે. યુવતી અને તેના પરિવારજનોના નિવેદનને આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ આરોપી ફરી ગયો હતો. યુવતી ઈસ્લામ ધર્મ અંગીકાર કરે પછી જ પોતે લગ્ન કરશે ત્યાં સુધી લિવ ઈનમાં રહેવું પડશે તેમ યુવકે જણાવ્યું હતું. જો કે, સમગ્ર મામલે યુવતીના માતા-પિતાની મદદે વિવિધ હિન્દુ સંગઠનો આવી જતાં યુવકની યોજના નિષ્ફળ બની હતી.