રાજઘરાનામાંથી ભારતની સક્રિય રાજનીતીમાં વર્ષોથી દબદબો ધરાવતા સિંધિયા પરિવારના નવયુવાન અને 2 વર્ષ પહેલાં ભાજપમાં જોડાયેલા જયોતિરાદિત્ય સિંધિયાને હાલ મોદી સરકારમાં ઉડ્ડયન મંત્રી બનાવાયા છે. આમ તો આ પરિવારનો વર્ષોથી રાજનીતિમાં દબદબો રહ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રાજાનો પરિવાર હોવાથી કોંગ્રેસ ભાજપ સાથે તેમનો વખતોવખત નાતો રહ્યો છે. હવે જયોતિરાદિત્ય સિંધિયા કદાચ મોદી સરકારના સૌથી માલેતુજાર મંત્રી હોઈ શકે છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આવેલા જયવિલાસ પેલેસની ભવ્યતાને જોઈને તેમની સંપત્તિ અને સમૃદ્ધિનો અંદાજો માંડી શકાય તેમ છે. ગ્વાલિયમાં જયોતિરાદિત્ય સિંધિયા જે મહેલમાં રહે છે તેમાં 400 ઓરડા છે. જયારે આ મહેલની અંદાજીત કિંમત 4000 કરોડ છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઈસ 1874માં જયાજીરાવ સિંધિયા મહારાજના શાસનકાળમાં જયવિલાસ પેલેસનું નિર્માણકાર્ય શરૂ થયું હતું. 1876માં પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ મેરીના સ્વાગત માટે તે સમયે ભારતમાં આ વિશાળ મહેલ બનાવાયો હતો. બ્રિટનના સર માઇકલ ફિલોસે મહેલનો પ્લાન બનાવ્યો હતો. જયવિલાસ પેલેસમાં 400 ઓરડાઓ છે. મહેલની છત પણ સોનાથી મઢેલી છે. ત્રણ માળના મહેલની અંદરની સજાવટમાં 560 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.
આજે તેના 40 ઓરડાઓને સંગ્રહાલયમાં ફેરવી નંખાયા છે. જયાં રાજમહેલની કેટલીક ચીજવસ્તુઓ મુકવામાં આવી છે. જેમાં શાહ આલમ તથા મુગલ બાદશાહ ઓરંગઝેબના સમયની ચાંદીના બગ્ગી, ઝાંસી કી રાણીની કી છત્રી, તલવારો અને વિંટેજ કાર સામેલ છે. ભારતમાં આ સિવાય નવી દિલ્હીમાં નિર્માણધીન રાષ્ટ્રપતિ ભવનમાં 340 ઓરડા છે. એટલે સ્પષ્ટ રીતે માની શકાય તે આ નવા મંત્રીનો મહેલ ભારતના રાષ્ટ્રપતિભવન કરતા પણ ભવ્ય અને આલિશાન છે.
જયવિલાસ મહેલની છત પર 3500 કિલો વજન ધરાવતા બે ઝુમ્મર લટકાવાયા છે. બેલ્જિયનના કલાકારો દ્વારા આ ઝુમ્મરની ડિઝાઇન કરાઈ છે. સિંધિયા પરિવાર પાસે પહેલાથી જ અઢળક સંપત્તી છે. જયવિલાસ પેલેસ ઉપરાંત દિલ્હીનો સિંધિયા વિલા, ગ્વાલિયર હાઉસનો પણ તે પરિવાર માલિક છે. જો કે, આ મિલકતો અંગે વર્ષોથી કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો છે.