ભારતીય રાજકારણમાં ગાંધી પરિવાર વિશે બોલવું કે લખવું આમ તો ઘણું જોખમી છે એ સાબિત કરવા માટે 72-73 વર્ષનો ઇતિહાસ સાક્ષી છે, પરંતુ છેલ્લા છ-આઠ મહિનામાં રિપબ્લિક ચૅનલના અર્ણવ ગોસ્વામી, સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી કંગના રાણાવત અને છેલ્લે ભારતરત્ન લતા મંગેશકર તથા ભારતરત્ન સચિન તેંડુલકર સાથે કોંગ્રેસે જે કંઈ કર્યું એ જોયા પછી ડર બેવડો થઈ જાય એ સ્વાભાવિક છે. છતાં, પત્રકાર બન્યા હૈ તો હાચી વાત કેહના તો પડેગા 🙂
ચાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી જે નિવેદન-બાજી, જે ટ્વિટર-બાજી, જે પત્રકારપરિષદ-બાજી કરી રહ્યા છે તે એક દેશ તરીકે ભારતના રાષ્ટ્રીય હિતો માટે કઈ હદે જોખમી નીવડી શકે છે એ નાગરિકોએ તો સમજવું જ પડશે, પણ ખાસ તો મીડિયાએ સમજવું પડશે જે તમામ પ્રકારની અપરિપક્વતાને માથે બેસાડે છે.
લોકશાહીમાં વિરોધપક્ષ અનિવાર્ય છે. એ વિરોધપક્ષ સબળ હોય, તેનું નેતૃત્વ સબળ હોય એ લોકશાહીની આવશ્યકતા છે, પરંતુ એ બધાની સાથે રાષ્ટ્રહિત સર્વોચ્ચ સ્થાને હોવું જોઇએ. આમછતાં મૂળભૂત રીતે લઘુમતી તુષ્ટિકરણની માનસિકતા ધરાવનાર નહેરુ-ગાંધી પરિવારના રાહુલભાઈ છેલ્લા કેટલાય વર્ષથી એકના એક પ્રકારના નિવેદનો કર્યા કરે છે કે, “(એ) નરેન્દ્ર મોદી તેમના ચાર-પાંચ ઉદ્યોગપતિઓના લાભ માટે જ શાસન કરે છે. (બી) નરેન્દ્ર મોદી ખેડૂતોના પૈસા છીનવીને ચાર-પાંચ ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે. (સી) નરેન્દ્ર મોદીએ ચાર-પાંચ ઉદ્યોગપતિના લાભ માટે નોટબંદી કરી હતી…” વગેરે વગેરે વગેરે. અને કમનસીબે કોઈ પત્રકાર-તંત્રી શ્રી રાહુલજીને પૂછતા નથી કે, એ ચાર-પાંચ ઉદ્યોગપતિ કયા છે એના નામ આપો અને નરેન્દ્ર મોદીને કારણે એ ઉદ્યોગપતિઓને ચોક્કસ કયો લાભ થયો એ તો જણાવો!
આ બધાથી ઉપર શ્રી રાહુલજીએ છેલ્લે ગયા અઠવાડિયે લોકસભામાં જે કર્યું હતું એ તો બેહદ બાલિશ અને તદ્દન અક્ષમ્ય છે. સંસદના વર્તમાન સત્રના પ્રારંભે રાષ્ટ્રપતિએ કરેલા સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકભામાં શ્રી રાહુલજીએ નોટબંદીથી લઇને કહેવાતા ખેડૂત આંદોલન સુધીની બધી વાતો કરી જેમાં અગાઉના નિવેદનોના પુનરોચ્ચાર સિવાય કશું જ નહોતું. પણ એ પછી એમણે જે કર્યું એ અભૂતપૂર્વ અને સંસદીય મર્યાદાના ભંગ સમાન હતું. તેમણે લોકસભામાં એવું નિવેદન કરી નાખ્યું કે, વર્તમાન ખેડૂત આંદોલન દરમિયાન 200 ખેડૂત માર્યા ગયા છે અને એ બધાને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પાળવું જોઇએ. આટલું બોલ્યા પછી તેઓશ્રીએ તેમના પક્ષના સાંસદોને ઊભા થઈ જવા બંને હાથ હલાવીને ઇશારો કર્યો અને પછી કોંગ્રેસી સાંસદો 39 સેકન્ડ માટે મૌન ઊભા રહ્યા.
મૃતકોને શ્રદ્ધાંજલિ આપવી એમાં કશું જ ખોટું નથી. આપવી જ જોઇએ. માનવ સમાજની એ જ પરંપરા છે. પરંતુ અહીં મુદ્દો એ છે કે, એક તો શ્રી ગાંધીએ તદ્દન ખોટું નિવેદન કર્યું કે, 200 ખેડૂત મૃત્યુ પામ્યા છે અને ત્યારપછી લોકસભા અધ્યક્ષની પરવાનગી લીધા વિના પોતે જ મૌન પાળવાની જાહેરાત કરી દીધી! આખી દુનિયાની લોકશાહી વ્યવસ્થામાં રાષ્ટ્રપ્રમુખ અથવા વડાપ્રધાન ભલે દેશના સર્વોચ્ચ વડા ગણાય, પરંતુ સંસદમાં જે તે અધ્યક્ષ સર્વોચ્ચ ગણાય અને રાષ્ટ્રપ્રમુખ હોય કે વડાપ્રધાન- તેમણે પણ અધ્યક્ષના જ આદેશ અને નિર્દેશનું પાલન કરવું પડે. પણ ચાર વખતથી સંસદસભ્ય ચૂંટાતા શ્રી રાહુલજીએ સંસદીય પ્રણાલી અને અધ્યક્ષનું અપમાન કર્યું.
આદરણીય શ્રી રાહુલજી ચીન સાથેના સંઘર્ષ મુદ્દે પણ વારંવાર સરકાર વિરોધી જાહેર નિવેદનો કરે છે, જેને કારણે ચીન તેમજ પાકિસ્તાન ખુશ થાય. ડોકલામ લશ્કરી સ્ટેન્ડઑફ હોય કે લદાખમાં અથડામણ હોય – શ્રી ગાંધીએ મોદીને અપમાનિત કરવાના બહાને છેવટે તો ભારતીય લશ્કરના મૉરલને જ આઘાત પહોંચાડ્યો છે. ગાંધી પરિવારના આ અપરિપક્વ ચિરાગે હજુ બે દિવસ પહેલાં આસામમાં એક જાહેરસભામાં એવું નિવેદન કર્યું છે કે, પોતે આસામમાં સીએએ લાગુ થવા નહીં દે. ખબર નહીં કેમ, પણ શ્રી રાહુલજી એ વાત સમજતા જ નથી કે કેન્દ્ર સરકાર તો માત્ર સુપ્રીમ કોર્ટે આપેલા આદેશનો અમલ કરવાની દિશામાં કામ કરી રહી છે. એટલું જ નહીં પરંતુ તેમના પરમપૂજ્યુ પિતાશ્રી સ્વ. રાજીવ ગાંધીએ આસામમાં આંદોલન સમાપ્ત કરવા માટે કરેલી સમજૂતીમાં પણ આ વાત હતી. હવે આસામમાં એ કાયદાનો વિરોધ કરવો અથવા કોંગ્રેસ સત્તામાં આવશે તો એ કાયદો રદ્દ કરી દેશે એવી વાત કરવી એ શું સુપ્રીમ કોર્ટ તેમજ પૂજ્ય પિતાશ્રી રાજીવ ગાંધીનું અપમાન ન ગણાય?
આ બધું શ્રી રાહુલજીને કોણ સમજાવશે? હાલની સ્થિતિ જોતાં લાગે છે કે, તેઓશ્રીને કોઈ સમજાવી શકશે નહીં, એ પોતે સમજશે નહીં અને પરિણામે ભાજપ સામે રાષ્ટ્રીય સ્તરે કોઈ વિરોધપક્ષ ઊભો થઈ શકશે નહીં. સરવાળે જોખમ લોકશાહીનું છે અને એ જોખમ ઊભું કરવા માટે ગાંધી પરિવાર કેટલો જવાબદાર છે- એ આ દેશના ચતુર નાગરિકોએ વિચારવું રહ્યું.
અલકેશ પટેલ