ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું વિશેષ મહાત્મય છે. આ ચાર ધામમાં કેદારનાથ આવે છે. જયાં પ્રતિવર્ષ લાખો શ્રદ્ધાળુઓ જાય છે. કેદારનાથ મંદિરના નિર્માણ વિશે અનેક માન્યતાઓ છે. પ્રથમ માન્યતા મુજબ આ મંદિરનું નિર્માણ 8મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતુ. જ્યારે કેટલાક લોકો બીજી સદીમાં માળવાના રાજા ભોજ દ્વારા તેનું નિર્માણ કરાયું હોવાનુ માને છે. કેદારનાથ મંદિર નિર્માણના કારણ વિશે પણ મતમતાંરો પ્રવર્તે છે. જેમાં મહાભારત સાથે સંકળાયેલો એક કિસ્સો રસપ્રદ છે. શ્રદ્ધાઓ માને છે કે, મહાભારતમાં કુરુક્ષેત્રમાં થયેલા નરસંહાર પછી પાંડવોએ ભગવાન શિવને તેમના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે કહ્યું હતુ. આથી પાંડવો આશ્રયસ્થાનમાં પહોંચ્યા હતા. જો કે, શિવજીની દર્શન આપવા ઈચ્છા ન હતી. તેથી તેમણે ગુપ્તકાશીમાં નંદીનું સ્વરૂપ ધારણ કર્યું, જો કે, પાંડવોએ શિવજીને ઓળખી લીધો હતા. તેથી શિવજી ત્યાંથી ગાયબ થઈ ગયા.
ત્યારબાદ શિવજીના પાંચ અંગે જુદાં જુદાં સ્થળે પ્રગટ થયા. તેમાં મધ્યમેશ્વરમાં પેટ, રુદ્રનાથમાં મુખ, તુંગનાથમાં હાથ, કલ્પેશ્વરમાં જટા અને કેદારનાથમાં કુબડ પ્રગટ થયા હતા. ભક્તોનું બીજુ જૂથ એવું માને છે કે, કેદારેશ્વર મંદિર નર નારાયણ સાથે સંકળાયેલું છે. એક હિંદુ દેવતા પાર્વતીની પૂજા કરવા તે સ્થળે પહોંચ્યા ત્યારે ભગવાન શિવજી ત્યાં પ્રગટ થયા હતા. તેથી નર-નારાયણે શિવજીને ત્યાં જ માનવતાના કલ્યાણ માટે મૂળ રૂપે ત્યાં રહેવા વિનંતી કરી હતી. ભગવાન શિવે તેમની ઇચ્છા પૂરી કરી અને કેદારનાથને તેમનું ઘર તરીકે સ્વીકાર્યું હતુ. દરમિયાન કેદારનાથનું મંદિર લગભગ 400 વર્ષ સુધી બરફની નીચે રહ્યાનો દાવો ભૂસ્તરશાસ્ત્રીઓ કરવા માંડ્યા છે. ઇ.સ.1300-1900ની આસપાસનો એ સમય હિમ યુગ હતો. દેહરાદૂન વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિઓલોજીના વૈજ્ઞાનિકોના મતે મંદિરની દિવાલો પરથી પીળી લીટી મળી છે. જે આ ક્ષેત્રમાં હિમનદીઓ હોવાના પુરાવા આપે છે. આ મંદિર 400 વર્ષથી બરફનીચે દબાયેલુ રહ્યું હતુ. હિમનદીના મોજા સામે પણ આ મંદિરે સતત ટકકર ઝીલી છે. મંદિરના પથ્થરોમાં ઘણી ચમક દેખાય છે.
તેથી મંદિર નિર્માણ સમયે તેને બનાવનારાના મનમાં બરફ અને હિમનદીથી મંદિરને નુકસાન થવાનો ભય હોવો જોઈએ તેવો નિષ્કર્ષ પણ સંશોધકોએ કાઢ્યો છે. કેદારનાથમાં 2013મા આવેલી ભયંકર આફત સમયે હજારો લોકો મોતને ભેટ્યાં હતા. કેટલાય ઘરોનું અસ્તિત્વ જ મટી ગયું છે. જો કે, તેમ છતાં આ મંદિર અડીખમ ઉભુ રહ્યુ છે. આ મંદિર ઉત્તર-દક્ષિણ દિશામાં હોય, તે તેનુ નબળુ પાસુ છે. મંદિર સામાન્ય રીતે પૂર્વ અથવા પશ્ચિમ દિશાના ગર્ભદ્વાર વાળુ હોય છે. પરંતુ આ મંદિરનો દરવાજો દક્ષિણ તરફ છે. એએસઆઈના એડિશનલ ડાયરેક્ટર બીઆર મણી કહે છે કે, રેખા-શિખર શૈલીમાં બનેલુ કેદારનાથ મંદિર સમુદ્ર સપાટીથી આશરે 3,969 જેટલી ઉંચાઇ પર આવેલું છે. 100ના સ્કેલ ઉપર પણ આ મંદિર 99 ટકા સલામત છે.