ને રાજકોટનો ચિરાગ હવે ‘ચાર્મી’ બની ગયો ભારતમાં સરકારના નવા કાયદા મુજબ હવે ટ્રાન્સજેન્ડર તરીકેની ઓળખ મળી શકે છે. તેથી આવા જ એક કિસ્સામાં રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુએ ચિરાગ મકવાણાને પ્રથમ ટ્રાન્સજેન્ડર ID કાર્ડ ઈશ્યૂ કર્યું છે. ચિરાગ હવે ‘ચાર્મી’ બનીને જીવશે. ‘ચાર્મી’ની નવી ઓળખ મેળવ્યા બાદ તે હવે ફેશન ડિઝાઈનર બનવાની ઈચ્છા રાખે છે. બોલીવૂડની ફિલ્મ ‘લક્ષ્મી’માં એક ટ્રાન્સજેન્ડરના સંઘર્ષની સ્ટોરીને ભારતના દર્શકોએ નિહાળી હતી. આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર વિશે દેશના લોકોમાં રહેલી નકારાત્મકા દૂર કરવા પ્રયાસ કરાયો છે. જો કે, છેલ્લાં એક દાયકથી આ મુદ્દો દેશમાં કાયદાકીય રીતે અને બુદ્દીજીવીઓમાં પણ ચર્ચાતો રહ્યો છે. મોટાભાગના શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ હવે આવા કિસ્સાને સકારાત્મકાથી જોવા લાગ્યા છે અને ટ્રાન્સજેન્ડરના કિસ્સામાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ તેવો મત વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં રાજકોટમાં એક યુવાન ચિરાગને તેની નવી ઓળખ મળતાં સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે તેવા સંકેત મળ્યા છે. મળતી વિગતો મુજબ રાજકોટના ચિરાગ ઉર્ફે ચાર્મીને ટ્રાન્સજેન્ડર આઈડી કાર્ડ આપીને કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. કલેક્ટરે આઈકાર્ડ ઈસ્યૂ કરતી વખતે ચિરાગને હિંમત આપતા કહ્યું હતુ કે, સમાજ હવે બદલાય રહ્યો છે. વિચારો પણ બદલાય રહ્યા છે. આ દેશ કે સમાજમાં ટ્રાન્સજેન્ડરને પણ સ્વતંત્રરીતે જીવવાનો એટલો જ હકક છે જેટલો અન્ય લોકોને છે. કલેક્ટરે આ તકે ભવિષ્યમાં ચિરાગને કોઈ પણ પ્રકારની મદદની આવશ્યકતા જણાય તો તમામ મદદ કરવા ખાતરી આપી હતી.
કલેકટરના આ વલણ સાથે જ રાજ્યમાં કે દેશમાં આ પ્રકારે જીવનારાઓને પ્રોત્સાહન મળી શકે છે. કલેકટરે ચિરાગને નવું ઓળખકાર્ડ આપ્યા બાદ ચિરાગ ઉર્ફે ચાર્મીના પિતા જેન્તીભાઈ મકવાણાએ કહ્યું કે, આપણાં બાળકમાં કોઈ ખામી હોય તો આપણે તેને સ્વીકારીએ જ છીએ. મારા દિકરામાં પણ આ એક કુદરતી ખામી છે. આમ છતાં તેના પ્રત્યે મેં કે મારા પરિવારે ક્યારેય ભેદભાવ કે તિરસ્કાર નથી રાખ્યો. ચિરાગ 12 વર્ષનો હતો. એ ઉંમરે જ તેનામાં માનસિક અને શારીરિક ફેરફાર અમને જોવા મળ્યા હતા. જે બાદ અમે તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. એક વર્ષ સુધી સારવાર કર્યા બાદ ડૉક્ટરે ચિરાગ ટ્રાન્સજેન્ડર હોવાની જાણ કરી હતી. જો કે, આમ છતાં મેં કે મારા પરિવારે હિંમત રાખી હતી. જેન્તીભાઈએ વધુમાં કહ્યું હતુ કે, મારે બે બાળકો છે. નાનો દિકરો ચિરાગ ભલે ટ્રાન્સજેન્ડર હોય, પણ મારા માટે બંને એક સમાન જ છે. સામાન્ય યુવકની જેમ ચિરાગના પણ અનેક મિત્રો છે. બધા મિત્રોની સાથે તે હરવા, ફરવા, જમવા જાય છે. પરંતુ હવે આ આઈડી કાર્ડ દ્વારા ચિરાગ જેવા લોકોને પોતાની આગવી ઓળખ મળી રહેશે. ચિરાગ હાલ 20 વર્ષનો છે અને તે ધોરણ-11 સુધી ભણેલો છે. તે વધારે અભ્યાસ કરીને ભવિષ્યમાં ફેશન ડિઝાઈનર બનવાની ઈચ્છા રાખે છે. કલેક્ટરે ઓળખપત્ર આપીને અમને ખૂબ જ મોટી હિંમત પૂરી પાડી છે.