અમદાવાદમાં રિવરફ્રન્ટ ડેવલપ થઈ રહ્યો છે. આ સાથે જ મોટેરા સ્ટેડિયમ વિસ્તારમાં પણ હિલચાલ વધી છે. તેથી અદાણી ગ્રુપની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયલ્ટીએ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમથી પાસે કોટેશ્વર વિસ્તારમાં આશરે 100 એકર જેટલી જમીનની ખરીદી છે. હવે આ જમીનમાં ટૂંક સમયમાં જ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાય તેવી શક્યતા છે. આ જમીન અમદાવાદથી ગાંધીનગર વચ્ચે સાબરમતી નદી પર આવેલા રિવરફ્રન્ટના ડેવલપ થઈ રહેલા વિસ્તાર નજીક જ આવેલી છે. કંપની એના પર એમ્યુઝમેન્ટ પાર્ક અથવા રિસોર્ટ બનાવે એવી સંભાવના છે. મળતી વિગતો મુજબ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ફરી શરૃ થઈ ગયું છે. જયારે મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ઝડપભેર ચાલી રહી છે. જેને કારણે આ વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટી પુરજોશમાં ચાલી રહી છે.
જો કે, અદાણીએ આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં આ વિસ્તારમાં જમીન ખરીદી હતી. જો કે, જમીન પર કયો પ્રોજેક્ટ સાકાર કરવા અદાણી ગ્રુપ માંગે છે તે અંગે કંપનીએ ફોડ પાડ્યો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આ જમીન સ્ટ્રેટેજિક લોકેશન ઉપર આવેલી છે. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટનો બીજો ભાગ વિકસાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. અદાણી ગ્રુપે 3 વર્ષ પહેલા ખરીદેલી 100 એકર જગ્યા નવા બની રહેલા રિવરફ્રન્ટથી નજીક છે. આ ઉપરાંત પૂર્વ અમદાવાદ અને ઉત્તર અમદાવાદને જોડતા એક રસ્તાનું પણ અહીં નિર્માણ થઈ રહ્યું છે. આવનારા એક કે બે વર્ષમાં રસ્તાનું કામ પુરુ થઈ જશે. અહીં કોટેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર કે જે મિની સોમનાથ તરીકે જાણીતું છે તે પણ આવેલું છે. તેથી કોટેશ્વર વિસ્તારને વિકસાવવાના ભાગરૃપે જ અદાણીએ જમીન ખરીદી હોય શકે તેવું તારણ છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલાંનું મોટેરા અને કોટેશ્વરમાં બહુ ખાસ ડેવલપમેન્ટ ન હતું. મેટ્રો રેલ પ્રોજેક્ટ અને મોટેરા સ્ટેડિયમ જે રીતે નવેસરથી બન્યું એને કારણે આ વિસ્તારની કાયાપલટ શરૂ થઈ છે. તેથી અદાણી ગ્રુ આ વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવે તેવી શકયતા વધુ છે.