કોરોનાને નામે અનેક પ્રતિબંધો લાદી પ્રજાને સાણસામાં લેતી રુપાણી સરકારનું અવનવું બહાર આવ્યું છે.
આમ તો રાજ્યમા લગ્ન માટે સરકારે 100 માણસોને હાજર રાખવાની જ છુટ આપી છે. પરંતુ 25મીએ ભાજપ ગુજરાતમાં 249 સ્થળે 500-500 ખેડૂતો ભેગા કરી જમણવાર કરવાની તૈયારી કરી ચુક્યું છે. ૨૫ ડિસેમ્બરે સુશાસન દિવસ એટલે કે ગુડ ગવર્નન્સ ડે સેલિબ્રેશન માટે ગાંધીનગરમાં વિશેષ કાર્યક્રમો છે. જેમાં રાજ્યમાં ૧,૦૦૦ સ્થળે અને ૨૪૮ તાલુકામાં દરેક સ્થળે ૫૦૦-૫૦૦ ખેડૂતોને ભેગા કરવાનું આયોજન છે.
સરકારના આ નિર્ણયથી સવાલો ઉઠી રહ્યા છે. કોરોનાનો ભય હજી દૂર થયો નથી. શહેરોમાં નાઈટ કર્ફ્યુ અમલમાં છે. તેવા સંજોગોમાં શુક્રવારે યોજનારા ૨૪૯ સ્થળોએ યોજાનારા કાર્યક્રમો ખેડૂતોને ખુશ કરવા યોજાઈ રહ્યાનું જણાય રહ્યું છે. ખેડૂત આંદોલનને કારણે ભાજપની છબીને નુકસાન પહોંચ્યું છે. તેથી આવા કાર્યક્રમો પાછળ રૂપિયા ૯ કરોડ ૬ લાખનું આંધણ કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં શુક્રવારે સુશાસન દિવસના ઉજવણીના કાર્યક્રમોમાં માણસોને ભેગા ભાજપના નેતા, કાર્યકરો બે દિવસથી સક્રિય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મહાત્મા મંદિરમાં ઉપસ્થિત રહેશે અને ત્યાંથી વિડિયો કોન્ફરન્સ દ્વારા ૨૪૮ તાલુકા મથકના કાર્યક્રમોમાં ગરીબ કલ્યાણ મેળાના ૩૪,૦૦૦ અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળના ૧,૩૨,૦૦૦ એમ કુલ ૧,૬૬,૦૦૦ લાભાર્થીઓને સંબોધન કરશે. જયારે તાલુકા મથકના કાર્યક્રમોમાં નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ, ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો- સાંસદો સહિતના આગેવાનો
હાજર રહેશે. એ જ દિવસે વડાપ્રધાન PM કિસાન સન્માન નીધિ હેઠળ દેશના ૯ કરોડ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં રૂ.૧૮,૦૦૦ કરોડની રકમ જમા કરવાના છે. મોદી આ સાથે વિડિયો કોન્ફરન્સથી ખેડૂતોને સંબોધન પણ કરશે. ખેર વાત જે હોય તે પણ ભાજપના હરખપદુડા નેતાઓને એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા મંજૂરી સરકાર કેવી રીતે આપી શકે તેવા સવાલો લોકોમાંથી ઉઠવા માંડ્યા છે. જમણવારના આ કાર્યક્રમથી કોરોનાનું સંક્રમણ વધી શકે તેમ છે.