કોરોના સામેના જંગમાં સૌથી મહત્વની કામગીરી કરનારા કોરોના વોરિયરનું ચાલુ ફરજે મૃત્યુ થાય તો તેના પરિવારને 25 લાખની સહાય આપવાનો પરિપત્ર થોડા દિવસો પહેલા જ સરકારે જાહેર કર્યો હતો. જો કે, મતકોના પરિવારે સરકારમાં મોકલેલી 35માંથી માત્ર પાંચ ફાઈલો જ મંજુર કરાઈ છે. જયારે અન્ય 30 ફાઈલો ચોક્કસ સુધારા વધારા અને ચોકસાઈ કરીને કમિશ્નરની સહી કરાવી ફરીથી મોકલવા માટે જણાવાયું છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાની મહામારીનું સંકટ 13 મહિનાથી ચાલી રહ્યું છે. આ સમયગાળામાં જે કોરોના વોરિયરના મોત થયા છે અથવા તો કોરોનાથી સંક્રમિત થયા મોતને ભેટ્યા છે. તેવા લોકોના પરિવારને સહાય માટે નાણા મળે તેવો પરિપત્ર સરકારે બહાર પાડ્યો છે.
અમદાવાદમાં 35 જેટલા કર્મચારીઓ અને અધિકારીના કોરોનાથી મોત નિપજ્યાં હતાં. આ માટે મૃતકોના કુટુંબીજનોને ર5 લાખની સહાય મળે તે માટે શહેરી વિકાસ વિભાગમાં 35 ફાઈલ રજૂ કરાઈ હતી. તે પૈકી કોરોનાના દર્દીઓની સારવાર સાથે સંકળાયેલા હેલ્થ ફ્રન્ટલાઈન વોરિયર્સની માત્ર પાંચ ફાઈલો જ મંજુર થઈ છે. જયારે અન્ય 30 ફાઈલો ચોક્કસ સુધારા વધારા અને ચોકસાઈ કરીને કમિશ્નરની સહી કરાવી ફરીથી મોકલવા માટે અમદાવાદ કોર્પોરેશનને પરત કરી દેવાઈ છે.
શહેરી વિકાસ વિભાગે સ્પષ્ટ ટકોર કરી છે કે ભવિષ્યમાં સરકારને જ્યારે પણ દરખાસ્ત કરવામાં આવે ત્યારે પુરતી તકેદારી રાખી યોગ્ય ચકાસણી કરીને વિભાગના અગાઉના પરિપત્ર મુજબ મ્યુનિસિપલ કમિશ્નરની સહીથી દરખાસ્ત રજુ કરવી પડશે. જેથી બિનજરૂરી પત્રવ્યવહાર ટાળી શકાય. એટલે કે, અગાઉ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરની સહીથી ફાઈલો મોકલાઈ હતી. તે હવે મ્યુનિસિપલ કમિશ્નરની સહીથી જ મોકલવા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત નવા પરિપત્રમાં જણાવાયુ છે કે, જેમનું મૃત્યુ થયું તે કર્મચારીના ખાતાના વડા અધિકારીએ તેમના સંબંધિત ડે મ્યુનિસિપલ કમિશ્નર મારફતે કમિશ્નરની મંજુરી મેળવવાની રહેશે.
જે નાણાં વિભાગમાં ઈન્વર્ડ કરાવવી પડશે. અવસાન થયું હોય તે કર્મચારીના વારસદારોને ચુકવવાની થતી સહાય અંગેના તમામ જરૂરી દસ્તાવેજી પ્રમાણપત્ર અને પુરાવાઓની ફાઈલ તૈયાર કરવાની રહેશે. બાદમાં અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગને ફાઈલ મોકલવાની રહેશે. સરકારને મોકલેલી દરખાસ્તની નકલ એમઓએચ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને પણ મોકલાવવી પડશે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિ. કોર્પો.ના નાણાં વિભાગે સુધારા વધારા સાથેનો એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં કોરોના વાયરસની કામગીરી સાથે સંકળાયેલા હોય અને ફરજના ભાગરૂપે કોરોનાનો ચેપ લાગવાના કારણે અવસાન થયું હોય એવા કિસ્સામાં મૃત્યુ પામનારના કુટુંબીજનોને 25 લાખની સહાય મળશે તેવો ઉલ્લેખ કરાયો છે. એટલે કે, ઓફિસવર્ક કરતાં હોય અને સંક્રમિત થયા હોય તેવા કર્મચારી કે અધિકારીના કુટુંબીજનોને આ લાભ મળવાની સંભાવના નહિવત છે. અગાઉ ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરની સહીથી ફાઈલો મોકલાઈ હતી