દુનિયા 12-13 મહિનાથી કોરોના સામે જંગ લડી રહી છે. હાલમાં વિવિધ દેશમાં વેકસીનેશનનું કામ ચાલી રહ્યું છે. જો કે, આમ છતાં વિવિધ દેશમાં એસઓપી જારી કરાયેલી છે. જેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવું જેવી બે બાબતો મહત્વની છે. માસ્ક પહેરવાને મુદ્દે અત્યાર સુધીમાં ભારતમાં પોલીસ સાથે ઘર્ષણ થયાના અનેક કિસ્સા બહાર આવ્યા છે. કેટલાય લોકો માસ્ક પહેરવામાં આળસ દાખવે છે. પોલીસ દંડ કરે તો દંડ ભરી દે છે પણ માસ્ક પહેરવાની આદત અપનાવતા નથી. દરમિયાનમાં માસ્ક વિશે થયેલા સંશોધનમાં નવી જાણકારી બહાર આવી છે. રિસર્ચમાં N95, ટ્રિપલ લેયર માસ્ક, ડબલ લેયર સર્જીકલ માસ્ક, કાપડનો ટુ લેયર માસ્ક અને હેવી કોટન માસ્ક પર પરીક્ષણ કરાયું હતુ. રિસર્ચમાં સામેલ થયેલાં વોલન્ટિયર્સને સીલ્ડ સ્ટીલના બોક્સમાં વિવિધ પ્રકારના માસ્ક પહેરીને શ્વાસ લેવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ વિવિધ તાપમાને કેટલા પ્રમાણમાં ભેજનું પ્રમાણ રહે છે તેની નોંધ લેવાઈ હતી. જેમાં કોટન માસ્ક સિવાયના અન્ય ત્રણ માસ્કમાં નીચાં તાપમાને ભેજનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતુ.
‘બાયોફિઝિકલ જર્નલ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે માસ્ક પહેરનારને મુશ્કેલી તો પડે છે. પણ સારી વાત એ છે કે માસ્કમાં આવતો ભેજ કોરોનાવાઈરસનાં ઈન્ફેક્શનની અસર ઓછી કરે છે. આ ઉપરાંત ઈમ્યુન સિસ્ટમ માટે પણ તે ફાયદાકારક છે. માસ્કની અંદર વધુ ભેજનું પ્રમાણ ફેફસાંમાં વાઈરસનો ફેલાવો રોકે છે. કેટલાક લોકો સતત માસ્ક પહેરીને કંટાળી જતા હોય છે. વારંવાર બોલવાથી અથવા પરસેવાથી થતો માસ્કની અંદર ભેજ આવી જાય છે, જે તેમને ગમતો નથી. પણ આમ છતાં માસ્ક પહેરવું હિતાવહ છે. રિસર્ચ પ્રમાણે, માસ્કની અંદરનો ભેજ રેસ્પિરેટરી ટ્રેક્ટને ભેજવાળો રાખે છે. તે કોરોનાવાઈરસનાં ઈન્ફેક્શનની અસર ઓછી કરી ઈમ્યુન સિસ્ટમને મદદ કરે છે. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે, રેસ્પિરેટરી ટ્રેક્ટમાં વધુ માત્રામાં ભેજ હોવાથી કોવિડ-19ના ગંભીર લક્ષણો થવાનું જોખમ ઓછું થઈ જાય છે. એક્સપર્ટનું કહેવું છે કે ભેજનું વધારે પ્રમાણ ફેફસાંમાં વાઈરસને ફેલાતો અટકાવી દે છે. ભેજનું વધારે પ્રમાણ સ્પેશિયલ પ્રોટીન ઉત્પન્ન કરી ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે. આ ઉપરાંત રેસ્પિરેટરી ટ્રેક્ટમાં વધારે ભેજનું પ્રમાણ હોવાથી ટ્રેક્ટમાંથી હાનિકારક પાર્ટિકલ દૂર થાય છે.