અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં રોડ પણ ધોવાઈ ગયા છે. આ મુદ્દે મેયર કિરીટ પરમારે વિવાદિત નિવેદન આપ્યું હતું. કિરિટ પરમારે કહ્યું કે તૂટેલા રોડ માટે કોર્પોરેશન જવાબદાર નથી. જેટલા નવા રોડ બનાવવા આવ્યા છે તેમાં રોડની એક પણ કાંકરી ખરી નથી કે એક પણ રોડ ધોવાયો નથી અને એક પણ રોડ ડેમેજ થયો નથી.
શહેરમાં ખાડાઓને લઈ મેયરે જણાવ્યું કે શહેરમાં રોડ રસ્તાઓને લઈ કામગીરી સતત ચાલી રહી છે. આ સાથે મ્યુનિ. હવે ઘણી જગ્યાએ આરસીસીના રોડ બનાવી રહ્યું છે. વરસાદ ઓછો થયો છે એટલે મ્યુનિ. સતત રાત દિવસ એક કરીને રોડના કામ કરી રહી છે. કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી નથી અને અમે કોઈને છાવરતાં પણ નથી. પ્રજાની સેવાની વચ્ચે અમે કોઈની સાથે સમાધાન કરતા નથી.
આ અંગે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાને મેયરના આ નિવેદનને લઈ જણાવ્યું કે, મ્યુનિ.એ જ્યાં રસ્તા પર 25238 જેટલા પેચવર્ક કરવા પડ્યા છે, 90 ભૂવા પડ્યા છે, છતાં પણ મેયરને આપણાં રોડ સલામત દેખાય છે. શહેરમાં રોડ યોગ્ય હોવાનું વિવાદીત નિવેદન મેયર કિરીટ પરમારે કર્યું છે.
મેયરના આ વિવિદિત નિવેદનને લઈ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, શહેરના રોડ એટલા બિસ્માર થઇ ગયા છે કે, લોકોને કમર અને મણકાના દુખાવાથી પરેશાન થઇ ગયા છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને વહાલા થવા માટે યોજાતા મેળાઓમાંથી મેયરે બહાર આવવું જોઇએ. જેથી શહેરના વિવિધ માર્ગોની હાલની હાલત શું છે તે તેમને દેખાય.