નવા કૃષિ કાયદા સામે થઈ રહેલો વિરોધ મોદી સરકાર માટે માથાનો દુખાવો બની ગયો છે. અત્યાર સુધી સરકાર સાથે યોજાયેલી ખેડૂતોની બેઠકો નિષ્ફળ ગયા બાદ સરકારના પ્રસ્તાવોને પણ ખેડૂતો ફગાવી ચુક્યા છે. બુધવારે પણ આંદોલન કરી રહેલા દેશના 40 ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાને પરત લેવાની માંગ દોહરાવી હતી. આવા સંજોગોમાં ખેડૂતોને રાજી કરવા માટે મોદી સરકારે નવો રસ્તો કાઢ્યો છે. સરકારના નિર્ણય મુજબ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવાશે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ વિશે જાહેરાત સાથે આશા વ્યક્ત કરી હતી કે, હજી પણ દેશના ખેડૂતો સાથે સરકાર ચર્ચા કરશે અને અવરોધ દૂર કરવામાં આવશે. એમએસપી અંગે ઘણી બાબતોમાં ખેડૂતોને ગેરસમજ છે. પરંતુ સરકાર તમામ શંકાને દૂર કરવા તૈયાર છે. હું પૂરી ખાતરી આપું છું કે, મોદી સરકાર તેમના હિતમાં જ પગલા લઈ રહી છે. 25 તારીખે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે ઉજવાશે.
તે જ દિવસે બે કલાકમાં 18000 કરોડ રૂપિયા સરકાર દ્વારા 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાશે. આ દિવસે 6 રાજ્યોના 6 ખેડુતો સાથે વડાપ્રધાન મોદી વાત કરશે. ડેવલપમેન્ટ બ્લોક કક્ષાએ પણ કાર્યક્રમનું આયોજન છે.
કાર્યક્રમમાં જોડાવા માટે 2 કરોડ ખેડુતોની નોંધણી થઈ છે.મંત્રી તોમરે ફરી એક વખત ખેડૂત સંઘોને ચર્ચા કરવા અપીલ કરી હતી. સરકારના પ્રસ્તાવમાં સુધારા વધારા માટે અમે તૈયાર છીએ.