કોરોનાકાળમાં આમજનતા માટે આત્મનિર્ભર યોજના અમલી બનાવનાર મોદી સરકાર હવે વૃદ્ધોને પણ આત્મનિર્ભર બનાવવાની નેમ રાખી રહી છે. રાજ્યસભામાં સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય મંત્રી રામદાસ આઠવાલે એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતુ કે, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોના હિતમાં સરકાર નિર્ણય લેવાનું વિચારી રહી છે. જો આ યોજના અમલમાં આવશે તો વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને મોટો લાભ થશે. તેમના દિવસો સુધારી જશે. જો કે, મંત્રીએ યોજનામાં શું છે તે વિશે ઝાઝો ફોડ પાડ્યો ન હતો. તેથી યોજના અંગે અટકળો ચાલી રહી છે કે, જેવી રીતે જેલમાં રહેતા કેદીઓ કામ કરીને પૈસા કમાય છે, તેવી જ રીતે આ યોજનામાં વૃદ્ધોને પણ કોઈને કોઈ કામ અપાશે. અનેક વૃદ્ધો પેકિંગ, કટિંગ, ડિઝાઇનિંગ જેવું કામ સરળતાથી કરી શકતા હોય છે. તેથી તેમને સમય પસાર થવા સાથે કામ મળે અને તેના બદલામાં પૈસા પણ મળે તે માટે આયોજન થઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ દેશમાં 600થી વધુ વૃદ્ધાશ્રમ છે જેમા 30,000થી વધુ વૃદ્ધો વસવાટ કરી રહ્યા છે. આ વૃદ્ધાશ્રમોમાં રહેવા અને જમવાની સુવિધા મળે છે, પરંતુ વૃદ્ધોને બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે.
આથી સરકાર આ વૃદ્ધો પોતે પોતાની શક્તિ પ્રમાણે કમાઈ શકે તે માટે કામ આપવા આયોજન કરી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ 2021-22માં વૃદ્ધો માટે પોષણ સહાયતા યોજનાના અમલ સાથે 2000 ગ્રામ પંચાયતો અને 200 નગરપાલિકા વિસ્તારમાં 55,000 વૃદ્ધોને મદદ કરાશે. આ યોજના માટે હાલ 39.6 કરોડ રૂપિયા ફાળવાયા છે. જો યોજના સફળ રહેશે તો 2022-23માં 5000 ગ્રામ પંચાયતો અને 500 નગરપાલિકા વિસ્તારમાં યોજનાનો લાભ અપાશે. કોંગ્રેસ સાંસદ નિરજ ડાંગીએ રાજ્યસભામાં સવાલ પુછ્યો હતો. જેના જવાબમાં રામદાસ આઠવલેએ સરકારે એવો કોઇ સર્વે કરાવ્યો નથી જેનાથી એ જાણકારી મળી શકે કે કેટલા વૃદ્ધોને પોષણની જરૂર છે તેમ કહ્યું હતુ.