ભારતમાં કેન્દ્ર સરકારના 61 લાખ પેન્શનર્સ તથા અન્ય કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે. જેમાં 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 61 લાખ પેન્શનર્સને લાભ થવાની આશા છે. સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરવા નિર્ણય લઈ લીધો છે. આ ઉપરાંત મોંઘવારી રાહતને ફરી શરુ કરી દેવાની દીશામાં કાર્યવાહી શરૃ કરી દીધી છે.
સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સના ખાતામાં નવા લાભના પૈસા જાન્યુઆરીથી ટ્રાન્સફર થવા માંડશે. મોંઘવારી ભથ્થામાં સરકારે 4 ટકા વધારો કરતા કેન્દ્રીય કર્મચારીના વેતનમાં વધારો થશે. નવી નિતી મુજબ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17%થી વધીને 21% થશે. આ નિર્ણયનો અમલ જાન્યુઆરીથી જ શરૃ થનાર છે. માર્ચ 2020માં કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ સમયે નાણામંત્રીએ આ બેઝિક/પેન્શનમાં હાજર મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવા જાહેરાત કરી હતી.
તે પછી કોરોનાના કારણે સરકારે 1 જુલાઈ 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી આ વધારાનો લાભ ન મળશે તેવી જાહેરાત કરી હતી. આ સમયે કેન્દ્ર સરકારના કર્મચારી અને વર્કર્સ સંગઠને નાણામંત્રી સમક્ષ અપીલ કરી હતી કે, તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને વર્તમાન મોંઘવારી દર 28%ના હિસાબે આપવામાં આવે. દરમિયાન મોદી સરકારની કેબિનેટે લીધેલા નિર્ણય અંગે જો કે, હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી તેથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સમાં બીજી અટકળો પણ ચાલી રહી છે. 2020ના ડિસેમ્બરમાં મોદીએ વિકલાંગ ભથ્થું તમામ કર્મચારીઓ માટે ચાલુ રાખવાનું એલાન કર્યું હતું. જો તે પોતાની સેવા દરમિયાન અપંગ થઇ જાય છે અને તેમ છતાં પણ ઓફિસ જોઈન કરે છે તો એમને આ ભથ્થું આપવામાં આવે છે. આ આદેશનો સૌથી વધુ ફાયદો CRPF, BSF, CISFને થવાનો છે.